શ્રીલંકાના બુરખા પર પ્રતિબંધથી પાકિસ્તાન ભડક્યું, ધમકી આપી
ઈસ્લામાબાદ: શ્રીલંકાએ બુરખા પર મુકેલા બેન બાદ પાકિસ્તાન ભડકી ઉઠ્યુ છે. પાકિસ્તાનના હાઈકમિશન દ્વારા આ ર્નિણય સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.
હાઈકમિશને કહ્યુ હતુ કે, શ્રીલંકા સરકારના ર્નિણયથી શ્રીલંકામાં રહેતા અને દુનિયામાં રહેતા મુસ્લિમોની લાગણી દુભાશે.વિરોધ કરવાની સાથે સાથે પાછુ હાઈકમિશને શ્રીલંકાને આડકતરી ધમકી પણ આપી દીધી હતી.
પાકિસ્તાનના હાઈ કમિશનના કહેવા પ્રમાણે શ્રીલંકા પહેલા જ કોરોનાના કારણે આર્થિક મુશ્કેલીમાં ઘેરાયેલુ છે ત્યારે હવે આંતરારાષ્ટ્રીય મંચ પર બુરખા બેનના કારણે શ્રીલંકાને વધારે મુસીબતોનો સામનો કરવો પડશે.સુરક્ષાના નામે આ પ્રકારનુ ભાગલાવાદી પગલુ ભરવાથી શ્રીલંકામાં લઘુમતીઓના માનવાધિકારો પર સવાલો ઉભા થશે.
ત્રણ દિવસ પહેલા શ્રીલંકાએ પોતાના ર્નિણયની જાહેરાત કરી હતી.જેના પર આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી પહેલા પ્રત્યાઘાત પાકિસ્તાને આપ્યા છે. શ્રીલંકાએ આ ર્નિણય એવા સમયે લીધો છે જ્યારે આગામી સપ્તાહમાં શ્રીલંકાના માનવાધિકાર રેકોર્ડ પર યુએનની માનવાધિકાર પરિષદમાં ચર્ચા થવાની છે અને પાકિસ્તાને આડકતરી રીતે શ્રીલંકાને આ અંગે ધમકી આપી છે.
શ્રીલંકા સામે જે પ્રસ્તાવ પરિષદમાં મુકાનાર છે તેમાં ૨૦૨૧ના માનવાધિકાર રિપોર્ટને આધાર બનાવાયો છે.આ રિપોર્ટમાં કહેવાયુ હતુ કે, શ્રીલંકામાં તમિલો અને મુસ્લિમો હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને તમામ સ્તરે તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો હોવાથી શ્રીલંકામાં હિંસા થવાનો ખતરો વધી ગયો છે.