૨૪ કલાકમાં ૨૮ હજારથી વધુ લોકો સંક્રમિત, મહારાષ્ટ્રમાં ૧૮ હજાર કેસ
નવીદિલ્હી: ભારતમાં એક તરફ કોરોના રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે અને બીજી તરફ સંક્રમણે ફરી હાહાકાર મચાવી દીધો છે. કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૨૮ હજારને પાર થતાં છેલ્લા ૩ મહિનાનો રેકોર્ડ તૂટી ગયો છે. આ ઉપરાંત બે મહિનામાં આજે સૌથી વધુ લોકો કોવિડ સામે લડતાં મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ વધુ ચિંતાજનક બનતી જઈ રહી છે. અહીં ૨૪ કલાકમાં ૧૮ હજાર જેટલા કેસ નોંધાયા છે અને ૮૭ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
ભારતમાં કુલ ૩ કરોડ ૫૦ લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૮,૯૦૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૮૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૪,૩૮,૭૩૪ થઈ ગઈ છે.
કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૧૦ લાખ ૪૫ હજાર ૨૮૪ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૭,૭૪૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૩૪,૪૦૬ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૯,૦૪૪ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૬ માર્ચ સુધીમાં ભારતમાં કુલ ૨૨,૯૨,૪૯,૭૮૪ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના ૨૪ કલાકમાં ૯,૬૯,૦૨૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતની વાત કરીએ તો, ૨૪ કલાકમાં સુરતમાં ૨૯૨, અમદાવાદમાં ૨૪૭, રાજકોટમાં ૮૫, વડોદરામાં ૧૦૯, ભરૂચમાં ૩૧, ખેડામાં ૧૫, દાહોદમાં ૮, ભરૂચમાં ૨૬, જામનગરમાં ૨૦ મહેસામા ૧૪, ભાવનગરમાં ૧૫, ગાંધીનગરમાં ૨૧, કચ્છમાં ૧૦, પંચમહાલ ૧૦, છોટાઉદેપુર, મહિસાગરમાં ૮-૮, મોરબી ૭, અમરેલી ૬, સાબરકાંઠા ૬, પાટણમાં ૫, સુરેન્દ્રનગરમાં ૫, અરવલ્લી, બનાસકાંઠા ૩-૩, જૂનાગઢમાં ૫, નર્મદામાં ૩, દેવભૂમિ દ્વારકા, તાપી, વલસાડમાં ૨-૨, નવસારી અને પોરબંદરમાં ૧ મળી કુલ ૯૫૪ નવા કેસ નોંધાયા છે જ્યારે ૭૦૩ દર્દી સાજા થયા છે.
ગુજરાતમાં કુલ ૪૯૬૬ એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ ૫૮ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૪૯૦૮ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ ૨,૭૦,૬૫૮ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ ૪૪૨૭ દર્દીનાં મૃત્યુ થયા છે. આજે અમદાવાદમાં ૨ દર્દીનાં મોત થયું છે.