૩૨ વર્ષની દિવ્યાંગતાની સફર ખેડનાર વિરપુરના હાંડીયા ગામના શિક્ષકને એવોર્ડ
વિરપુર તાલુકાના દિવ્યાંગ શિક્ષક ગીરીશભાઈને રાજ્યપાલ હસ્તે એવોર્ડ એનાયત કરાયો
(પ્રતિનિધિ) વિરપુર, કોવિડ ૧૯ ની કપરી પરિસ્થિતિ વચ્ચે શાળા બંધ છે પણ શિક્ષણ નહીં જે ઉક્તિને ચરિતાર્થ કરતા શિક્ષકો પોતાની આગવી કોઠાસૂઝ અને ખંતથી વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવી તેમની શૈક્ષણિક ગુણવત્તાને દીપાવી રહ્યા છે માટે જ કહેવાય છે ” શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ ”
મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાની પાંટા પ્રાથમિક શાળાના દિવ્યાંગ શિક્ષક ગીરીશભાઈ બારોટે બાળકો માટે અવનવા નવતર પ્રયોગ હાથ ધરી જીલ્લા કક્ષાએ ઈનોવેશન ફેરમાં પ્રતિનિધિત્વ કર્યું છે ‘અચલા ‘ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત ‘ રાષ્ટ્રીય નવી શિક્ષણનીતિમાં શિક્ષકની ભૂમિકા ’ વિષય પરના પરિસંવાદ – કાર્યક્રમમાં રાજ્યના નિમ્ન/ઉચ્ચ – પ્રાથમિક તેમજ માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક – શિક્ષણ ક્ષેત્રે કામ કરતા શિક્ષકો માંથી સમગ્ર કાર્યકાળ દરમ્યાન ઉચ્ચત્તમ સિદ્ધિઓઝ હાંસલ કરનાર દસ ચુનંદા શિક્ષકમિત્રોને ગુજરાત રાજયના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જીના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યા હતા.
ગુજરાતના સુપ્રસિદ્ધ ‘અચલા ’ શ્રેષ્ઠ શિક્ષક – એવોર્ડ્સ થી ૭, માર્ચ – ૨૦૨૧ ના રોજ યોજાયો હતો જેમાં શિક્ષકોને શાલ ઓઢાડી દરેકને રૂ. ૫૦૦૦/- ના રોકડ પુરસ્કાર સાથે સન્માનિત કરવામાં આવેલ છે જેમાં પ્રાથમિક વિભાગના મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકાની પાંટા પ્રા. શા. ના દિવ્યાંગ ઉત્સાહી શિક્ષક ગિરીશભાઇ બારોટને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર પૂર્વ ઝોનના જીલ્લાઓનું ગૌરવ જાળવનાર ગિરીશભાઇ બારોટ જાન્યુઆરી ૨૦૨૧ ના રાજ્ય સંઘ ના મુખપત્ર ‘શિક્ષક જ્યોત’ માં પણ ઉકત પ્રેરક મુલાકાતના સિદ્ધિ સભર અંશોની નોંધ લેવાઈ હતી જેના ફળસ્વરૂપે રાજ્ય સ્તરની આ ત્રીજી સિદ્ધિ હાંસલ કરવાનુ પણ તેઓને ગૌરવ પ્રાપ્ત થયું છે.
૩૨ વર્ષની દિવ્યાગતાની સફર ખેડનાર વિરપુર તાલુકાના હાંડીયા ગામના ગીરીશભાઈ બારોટે સમાજને પ્રેરક સંદેશ આપતા જણાવ્યું હતું કે “અસ્થિર હોય કદમ એને રસ્તો જડતો નથી અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી” હું નાની ઉમંરથી વિકલાંગ હોવા છતાં દરેક પ્રકારની શૈક્ષણિક, સામાજીક, સાંસ્કૃતિક, રમતગમત જેવી અનેક સાહસિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પરીણામલક્ષી રહ્યો છું.*