ડ્રગ માફીયાઓને ચોરીના વાહનો વેચતો શખ્સ ઝડપાયો

ક્રાઈમબ્રાંચે ૪પ વાહનોની ચોરીના ભેદ ઉકેલ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ ક્રાઈમબ્રાંચે વાહન ચોરીના એક રીઢા ગુનેગારને ઝડપીને ૪પ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે આ ગુનેગાર શહેરના આશ્રમ રોડ ખાતે ચોરીની એક કાર વેચવા ઉભો હતો એ જ વખતે અગાઉથી જ માહીતગાર ક્રાઈમબ્રાંચની ટીમે તેને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત એવી છે કે ક્રાઈમબ્રાંચના પીઆઈ એ.વાય બલોચની ટીમને એક શખ્સ આશ્રમ રોડ ઉપર ચોરીની ક્રેટા કાર વેચવા માટે ઉભો હોવાની બાતમી મળી હતી જેના આધારે પીઆઈ બલોચની ટીમ મંગળવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં આશ્રમ રોડ પર આવેલી હોટલ આશ્રમ ઈન ખાતે પહોચી હતી.
જયાં નજીકમાં જ ક્રેટા કાર લઈને વેચાણ માટે ઉભેલા શખ્સને ઝડપી લીધો હતો. પુછપરછમાં તે રાજસ્થાના મૂળ બાડમેરનો અને હાલમાં આબુ રોડ ખાતે રહેતો વાહન ચોરીનો કુખ્યાત આરોપી માંગીલાલ ઉર્ફે માંગીયો ધુમાલારામ બિશ્નોઈ હોવાનું બહાર આવ્યું છે. ક્રાઈમબ્રાંચની પ્રાથમિક તપાસમાં તેણે ગુજરાત તથા રાજસ્થાન સહીતના રાજયોમાં કરેલી ૪પ વાહન ચોરીઓ કર્યાનું ખુલ્યુ છે ઉપરાંત તે અગાઉ પણ વાહન ચોરી, હત્યાના પ્રયાસ તથા પ્રોહિબીશનના કેસમાં ઝડપાયેલો છે.
માંગીલાલ પોતાા સાગરીતો સાથે કારમાં અન્ય શહેરોમાં જતો હતો અને બોલેરો, પીકઅપ ડાલા તથા અન્ય કારો ડુપ્લીકેટ ચાવીઓ એસીએમ મશીનથી ખોલીને ચોરી કરતા હતા બાદમાં બાડમેરમાં ગેરકાયદેસર ડોડાના વેપાર સાથે સંકળાયેલા શખ્સોને આ વાહનો વેચી નાખતો હતો.