પેટલાદ તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ બિનહરીફ
સોજીત્રાને ત્રણ પ્રમુખ,
તાલુકા – જીલ્લા પંચાયતના પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ભાજપ દ્વારા છ તાલુકા પંચાયતના પ્રમુખોના નામ જાહેર કર્યા હતા. જેમાં પેટલાદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ખડાણા બેઠકના અશોકભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હતી. આ બેઠકનો વિસ્તાર વિધાનસભા મુજબ સોજીત્રા મતવિસ્તારમાં થાય છે.
એટલે વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે જાેઈએ તો સોજીત્રા વિધાનસભા મતવિસ્તારને ફાળે ત્રણ તાલુકા પંચાયતના પ્રમુખોને નેત્તૃત્વ મળ્યુ છે. જેમાં પેટલાદ, સોજીત્રા અને તારાપુર તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પેટલાદ તાલુકા પંચાયતની ૨૮ પૈકી ૧૮ બેઠકો પેટલાદ વિધાનસભા મતવિસ્તારમાં જાય છે. આ ૧૮ માંથી ભાજપને ૧૨ તથા કોંગ્રેસને ૬ બેઠક મળી છે. જ્યારે બાકી રહેલ ૧૦ બેઠકો સોજીત્રા વિધાનસભા મતવિસ્તારમાં સમાવેશ થાય છે. આ ૧૦માંથી ભાજપને ૭ અને કોંગ્રેસને ૩ બેઠકો મળી છે. આમ નેત્તૃત્વની દ્રષ્ટિએ જાેઈએ તો સોજીત્રા વિધાનસભાને ગ્રામ્ય વિસ્તારના ત્રણ પ્રમુખ મળ્યા છે.
કોંગ્રેસના ૯ પૈકી ૪ ગેરહાજર
આજની પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના વિજયી થયેલ ૯ પૈકી ૫ સભ્યો હાજર રહ્યા હતા. જેમાં પંડોળી-૨, રંગાઈપુરા, વડદલા, બામરોલી અને ચાંગા-૧ના સભ્યોનો સમાવેશ થતો હતો. જ્યારે રાવલી, બોરીયા, નાર અને સિંહોલના કોંગ્રેસી સભ્યો ગેરહાજર રહ્યા હતા. આમ પેટલાદ કોંગ્રેસમાં હવે સ્થાનિક નેતાગીરીની પણ પક્કડ છૂટતી જતી હોવાની વાત ચર્ચાસ્પદ બનવા પામી હતી.
(વિનાયક આણંદજીવાલા, પેટલાદ), સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તાજેતરમાં સંપન્ન થઈ હતી. જેની સાથે પેટલાદ તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. જેમાં ભાજપને સ્પષ્ટ બહુમત સાથે ૨૮માંથી ૧૯ બેઠકો મળી હતી. પરિણામ જાહેર થયા બાદ આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ હતી.
જેમાં ભાજપના ઉમેદવારો બિનહરિફ વિજેતા જાહેર થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જે રીતે પેટલાદ શહેરની પાલિકામાં કોંગ્રેસનો સફાયો થયો હતો, તે જ રીતે ગ્રામ્ય વિસ્તારની તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. એટલે હવે પેટલાદમાં સ્થાનિક સ્વરાજ્યની બંન્ને સંસ્થાઓમાં કોંગ્રેસ સત્તાની બહાર છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ પેટલાદ તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંત અધિકારી મનિષા બ્રહ્મભટ્ટના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં પ્રમુખપદ માટે ખડાણ બેઠકના સભ્ય અશોકભાઈ મગનભાઈ પટેલની ઉમેદવારી નોંધાઈ હતી. જ્યારે ઉપપ્રમુખ માટે બાંધણી – ૧ના સભ્ય જયાબેન રમેશભાઈ સોલંકીએ ઉમેદવારી કરી હતી. ભાજપ તરફથી આ બંન્ને ઉમેદવારો સામે અન્ય કોઈ જ ઉમેદવારી પત્રો ભરાયા ન હતા.
જેથી ચૂંટણી અધિકારી મનિષા બ્રહ્મભટ્ટે પ્રમુખ – ઉપપ્રમુખ પદે બંનેને બિનહરિફ વિજેતા જાહેર કર્યા હતા. ઉપરાંત ભાજપના જીલ્લા પ્રમુખ દ્વારા પેટલાદ તાલુકા પંચાયતમાં કરોબારી ચેરમેન પદે ધર્મજ-૧ના સભ્ય જીગ્નેશભાઈ હરિપ્રસાદ પટેલ, પક્ષના નેતા તરીકે જાેગણ બેઠકના દિનેશભાઈ રવાભાઈ ઠાકોર તથા દંડક તરીકે સુંદરા બેઠકના સભ્ય અજયકુમાર હસમુખભાઈ ગઢવીની નિમણૂંક કરી હતી. પેટલાદ તાલુકા પંચાયતમાં ઘણાં લાંબા સમય બાદ ભાજપને સ્પષ્ટ બહુમત સાથે સત્તા મળતા ઉપસ્થિત આગેવાનો, હોદ્દેદારો, કાર્યંકરોએ અશોકભાઈ પટેલ તથા જયાબેન સોલંકીને શુભેચ્છાઓ પાઠવી હતી.