રાણીપમાં ખુલ્લામાં જુગાર રમતા નવ શખ્સ ઝડપાયા
અમદાવાદ, શહેરમાં જુગારિયા મન મૂકીને ગમે ત્યાં જુગાર રમે છે, પરંતુ પોલીસ પણ આવા જુગારિયાને પકડવા માટે તનતોડ મહેનત કરી રહી છે. શહેરના રાણીપ વિસ્તારમાં આવેલ મગનપુરા સાંઈબાબાની ચાલી પાસે ખુલ્લામાં પોલીસે જુગારનો પર્દાફાશ કરી નવ જુગારિયાની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
રાણીપ પોલીસ ટીમને બાતમી મળી હતી કે મગનપુરા સાંઈબાબાની ચાલી નજીક ખુલ્લામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે રેડ કરતાં સ્થળ ઉપર નવ જણા જુગાર રમી રહ્યા હતા, જેથી પોલીસેકોર્ડન કરી તમામને ઝડપી લીધા હતા.
પોલીસે બનવારી પ્રજાપતિ, જીતુસિંગ રાઠોર, હરેન્દ્ર નરવરિયા, જીતેન્દ્ર શર્મા, ભૂપેન્દ્રસિંગ ભદોરિયા, કમલેશસિગ ઈન્દોરિયા, પ્રમોદસિંહ વર્મા, સુરેન્દ્રસિંહ તોમર અને શ્યામસુંદર ભદોરિયાની બાર હજારના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે. (એન.આર.)