ગાંધીનગર મનપાની ૧૮મી એપ્રીલે ચૂંટણી, ૨૦ એપ્રિલે પરિણામ
૧૧ વોર્ડની ૪૪ બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવા માટે છેલ્લી તારીખ ૧ એપ્રિલ, ૩ એપ્રિલે પત્રોની ચકાસણી
ગાંધીનગર, ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે અને દરરોજ કેસની સંખ્યા વધી રહી છે તેવામાં વધુ એક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.
ચૂંટણી આયોગ દ્વારા શુક્રવારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ગાંધીનગર મનપા માટે ૧૮ એપ્રિલે મતદાન યોજાશે. જ્યારે ૨૦ એપ્રિલે મતગણતરી કરવામાં આવે. ગાંધીનગર મહાનગરપાલિકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.
આ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ ૧ એપ્રિલ રહેશે અને ૩ એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદાવારી પાછી ખેંચી લેવા માટેની અંતિમ તારીખ ૫ એપ્રિલ રહેશે. ગાંધીનગરમાં નવા સીમાંકન બાદ પ્રથમ વખત મનપાની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં કુલ ૨૮૪ મતદાન મથકો પર મતદાન યોજાશે.
નોંધનીય છે કે હાલમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જેને કાબૂમાં રાખવા માટે તંત્ર એક્શનમાં આવી ગયું છે. ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે ઘણા શહેરોમાં થિયેટરો અને મોલ તથા ભીડ એકઠી થાય તેવા જાહેર સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે.
આવી પરિસ્થિતિ વચ્ચે ગાંધીનગરમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે.
અગાઉ રાજ્યમાં મનપા અને પાલિકા તથા પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જેમાં એક પણ પક્ષ દ્વારા કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. રેલીઓમાં તથા વિજય સરઘસમાં મોટી સંખ્યામાં ભીટ ઉમટી હતી.