ઝઘડિયા તાલુકાના રાણીપુરા ખાતે આવેલ કેજીબીવીની વિદ્યાર્થીનીઓને કોલેજબૂક્સનું વિતરણ કરાયું
(પ્રતિનિધિ) ભરૂચ : ઝઘડિયા જીઆઈડીમાં આવેલ ડીસીએમ શ્રી રામ અલ્કલી એન્ડ કેમિકલ કંપની અને જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ (જેસીઆઈ) ઝઘડિયા દ્વારા રાણીપુરા ગામની કેજીબીવી છાત્રાલયમાં અભ્યાસ કરતી ૧૦૦ વિદ્યાર્થીનીઓને કોલેજબૂક્સ ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું છે.
ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ડીસીએમ કંપની દ્વારા કંપનીના સીએસઆર ફંડમાંથી તાલુકાના ગામડાઓમાં પાયાની સુવિધાઓ માટે મોટા પાયે કામ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ, નોટબુક્સ વિતરણ, વૃક્ષારોપણની પ્રવુતિઓ કરેછે. ડીસીએમ કંપની દ્વારા અને જેસીઆઈ ઝઘડિયાના સહયોગથી ગતરોજ તાલુકાના રાણીપુરા ખાતે આવેલ કેજીબીવી છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કોલેજબૂક્સ ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કંપનીના હેર મેનેજર કમલ નાયક, જેસીઆઈના ઝઘડિયાના પ્રમુખ, સેક્રેટરી તથા જેસી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. કેજીબીવીની ૧૦૦ વિદ્યાર્થીનીઓને ૧૦ ૧૦ ડાયરા તથા બોલપેન આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓને ઉપસ્થિત મહેમાનો દ્વારા જણાવાયું હતુંકે કોઈ પણ વ્યક્તિ તેના રૂપ થી નહિ પરંતુ વિદ્યા થી શોભે છે.
શિક્ષણકાળ દરમિયાન કદી હિમ્મત નહિ હારવી જોઈએ. સતત વિદ્યા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. વર્તમાન સમયમાં વ્યક્તિના જીવનમાં શિક્ષણ નું ખુબ મહત્વ છે. જો તમે શિક્ષિત નહિ હોવ તો તમારું કોઈ વજૂદ નહિ હોઈ માટે શિક્ષણ અનિવાર્ય છે. તમામ વિદ્યાર્થીનીઓને શિક્ષણ બાબતે પ્રોત્સાહન પૂરું પાડી ઉચ્ચ શિક્ષણ મેળવવાની શુભેચ્છા પાઠવી હતી.*