રાત્રી કર્ફ્યુમાં જમાલપુરમાં લોકો બિન્દાસ ફરી રહ્યા છે
અમદાવાદ, કોરોના વાયરસના ફરી એક વખત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને ગુજરાતનાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે. રાત્રી કર્ફ્યુનો સમય છ કલાકથી વધારીને આઠ કલાક કરી દેવાયો છે, ૧૭ માર્ચથી ચારેય મહાનગરોમાં રાતના ૯ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ રહેશે.
ત્યારે હજી પણ લોકો સમજતા નથી તેનો પુરાવા રૂપી એક અમદાવાદનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો શહેરના જમાલપુર વિસ્તારનો છે. જેમા રાત્રીના કર્ફ્યુમાં જ્યારે પોલીસ પેટ્રોલીંગમાં છે ત્યારે તેમની પાછળ ટોળું ભેગુ થયું છે. હાલ આ વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયામાં પ્રસરી રહ્યો છે.
આ વીડિયો અંગે મળતી માહિતી પ્રમાણે, જમાલપુર વિસ્તારમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન જ્યારે પોલીસ પેટ્રોલિંગમાં છે અને લોકોને ઘરની બહાર ન નીકળવા માટે સમજાવી રહી છે. તો બીજી બાજુ લોકો બિન્દાસ રસ્તા પર ફરતા દેખાય છે. જાણે આ લોકોને કોરોના કે પોલીસનો કોઇનો ડર જ નથી. પોલીસ વાનની પાછળ લોકોનું ટોળું ફરી રહ્યુ છે.
ત્યારે આ પોલીસે વાહનો રોકીને ટોળાને વિખેર્યું હતું. આ પહેલા પણ આવો જ લોકોના ટોળાનો વીડિયો વાયરલ થયો હતો જમાં લોકોને પકડવા માટે પોલીસ રિક્ષામાં બેસીને આવી હતી અને લોકોને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે સવાલ એ થાય છે કે વકરતો કોરોનાની પાછળ જવાબદાર કોણ છે?
મોટી મોટી સભાઓ કરીને ચૂંટણી જીતેલા નેતાઓ કે આવા લોકો, કે જેમને અનેક વાર સમજાવવા બાદ પણ આવા વરવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શનિવારે શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ ૪૦૧ કેસ નોંધાયા છે. જ્યારે બે દર્દીના મૃત્યુ નીપજ્યા હતા. ૨૭૦ દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.
કોર્પોરેશનની ચૂંટણી અને મેચના કારણે શહેરમાં કોરોના વધ્યો છે. હજુ પણ શહેરમાં ૮૬૬ એક્ટિવ કેસ છે. શનિવારે જુદા જુદા ડોમ અને અર્બન હેલ્થ સેન્ટર સહિતની જગ્યાઓ પર ૧૧૦૦ જેટલા નાના વેપારીના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી ૩૦ પોઝિટિવ મળ્યા હતા.