સાબરકાંઠાના સહયોગ ટ્રસ્ટના એકસાથે ૩૯ વિદ્યાર્થીઓ સંક્રમિત
વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા અને તંત્રમાં દોડધામ, શિક્ષણ વિભાગ ધ્વારા સ્કુલ બંધ રાખવા આદેશ
સાબરકાંઠા, ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા કેસ દિવસે દિવસે ચિંતા ઉપજાવનારા બની રહ્યા છે. અત્યાર સુધી મહાનગરોમાં કોરોનાનો કહેર વધી રહ્યો હતો. હવે ધીરે ધીરે નાના શહેર અને ગામડાઓમા પણ કોરોના ફેલાઇ રહ્યો છે. સાબરકાંઠાના સહયોગ ટ્રસ્ટમાં એક સાથે ૩૯ વિદ્યાર્થીઓ અને એક રક્તપિતથી પીડીત મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આટલા વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા અને તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ ધ્વારા સ્કુલ બંધ રાખવા આદેશ કરાયો છે. મળતી માહિતી પ્રમાણે, મેઢાસણ આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવતા સ્કૂલ અને છાત્રાલયના ૩૯ વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો.
સહયોગના ૬થી ૧૦ના વિધાર્થીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આજે પ્રાથમિક શાળાના આઠ શિક્ષકોનો ટેસ્ટ કરવામાં આવશે. ત્યારે ૩૯ વિધાર્થીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે એક રક્તપિતથી પીડિત મહિલાને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. હિમતનગરના રાજેન્દ્રનગરના સહયોગ કુષ્ઠરોગ ખાતે ૨૦ વિધાર્થિની અને ૧૯ વિધાર્થીઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હડકંપ મચી ગયો છે. જેમા ૬થી ૮ના ૨૧ વિધાર્થીઓને કોરોના આવ્યો છે.
પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આ સ્કુલ બંધ રાખવા આદેશ કરાયો છે. બીજી બાજુ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વિધાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યાની વાતથી જ અજાણ છે. ગઇકાલે પણ આવા ચિંતાજનક સમાચાર છોટા ઉદેપુરમાંથી આવ્યા હતા.
છોટાઉદેપુરના ચિચોડ ગામે ઉત્તર બુનિયાદી આદિવાસી આશ્રમ શાળામાં ૧૨ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા. છોટા ઉદેપુરમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા આશ્રમ શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ સહિત ૧૮૦ જેટલા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૭ છોકરા અને ૫ છોકરીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
જેને લઈને આશ્રમશાળાને તાત્કાલિક બંધ કરવામાં આવી અને શરૂ થયેલી પરીક્ષાને પણ મોકૂફ રાખવામાં આવી છે. કોરોનાની ઝપેટમાં આવેલા તમામ ૧૨ વિદ્યાર્થીઓમાં સામાન્ય લક્ષણ છે અને તમામની હાલત સ્થિર છે.