Western Times News

Gujarati News

ગાડી ફિટેનસ ટેસ્ટ વગર રસ્તા પર નહીં દોડી શકે

પ્રતિકાત્મક

૨૦૨૩ સુધી દેશમાં ૭૫ ફિટનેસ સેન્ટર અને ડિસેમ્બર, ૨૦૨૩ સુધી ૫૦ સ્ક્રેપિંગ સેન્ટર ઊભા કરવામાં આવશે

નવી દિલ્હી,કેન્દ્ર સરકારે વ્હીકલ સ્ક્રેપેજ પૉલિસીની જાહેરાત કરી દીધી છે. રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે લોકસભામાં વ્હીકલ સ્ક્રેપેજ પૉલિસીની જાહેરાત કરતા કહ્યુ કે, ૧૫ વર્ષ જૂના કોમર્શિયલ વાહનો અને ૨૦ વર્ષ જૂના ખાનગી વાહનો ફિટનેસ ટેસ્ટ વગર રસ્તા પર નહીં દોડી શકે.

ફિટનેસ ટેસ્ટ પાસ થયા બાદ જ આ વાહનોની સર્ટિફિકેટ રિન્યૂ કરી આપવામાં આવશે. નીતિન ગડકરીએ કહ્યુ કે, ફિટનેસ ટેસ્ટમાં અનફિટ થતા વાહનોને સ્ક્રેપ કરી દેવામાં આવશે. તેમણે કહ્યુ કે, ફિટનેસ ટેસ્ટ માટે વિશેષ સેન્ટર બનાવવામાં આવશે. પરિવહન મંત્રાલયના સૂત્રોનું માનીએ તો મંત્રાલયની યોજના છે કે માર્ચ ૨૦૨૩ સુધી દેશભરમાં ૭૫ ફિટનેસ સેન્ટર બનાવવામાં આવે.

જ્યારે ડિસેમ્બર, ૨૦૨૩ સુધી દેશભરમાં ૫૦ સ્ક્રેપિંગ સેન્ટર બનાવવામાં આવશે. પરિવહન મંત્રાલયના સૂત્રોએ કહ્યુ કે, જાે લીઝ પર લીધેલી જમીન પર સ્ક્રેપિંગ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે તો એક સ્ક્રેપિંગ સેન્ટર પાછળ આશરે ૧૮ કરોડ રૂપિયા ખર્ચ આવશે. જ્યારે જમીન ખરીદીને તેના પર સ્ક્રેપિંગ સેન્ટર બનાવવામાં આવશે તો આ પાછળ આશરે ૩૩ કોરડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે.

લોકસભામાં નવી પૉલિસીની જાહેરાત કરતા નીતિન ગડકરીએ જણાવ્યું કે, આ પૉલિસી તમામ પક્ષકારો માટે ફાયદાકારણ સાબિત થશે. જૂની અને અનફિટ ગાડીઓને સ્ક્રેપ કરવાથી તેમના માલિકોને વિશેષ વળતર મળશે. આ પૉલિસીથી જીએસટીમાં ૪૦ કરોડ રૂપિયાની વૃદ્ધિ થવાનો અંદાજ છે.

તેમણે જણાવ્યું કે રસ્તા પરથી અનફિટ ગાડીઓ હટવાથી સુરક્ષા પણ વધશે. નીતિન ગડકરીએ જણાવ્યુ કે, સ્ક્રેપિંગ પૉલિસી લાગૂ થયા બાદ દેશભરમાં ૧૦ હજાર કરોડ રૂપિયાના નવા રોકાણ સાથે ૩૫ હજાર રોજગારીનું સર્જન કરી શકાશે. સાથે જ દેશની હયાત ઑટો ઇન્ડસ્ટ્રીનું કદ ૪.૫ લાખ કરોડ રૂપિયાથી વધીને ૧૦ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચશે. નીતિન ગડકરી જણાવ્યું હતું કે સ્ક્રેપિંગ પૉલિસી હેઠળ નવું વાહન ખરીદનાર વ્યક્તિને ચારથી છ ટકાનું વળતર મળશે.

આ ઉપરાંત રાજ્ય સરકારોને વ્યક્તિગત વ્હીકલના કેસમાં રોડ ટેક્સમાં ૨૫ ટકા અને કોમર્શિયલ વાહનના કેસમાં ૧૫ ટકા રાહત આપવાનું કહેવામાં આવશે. એટલું જ નહીં, જાે કોઈ વ્યક્તિ વ્હીકલ સ્ક્રેપિંગ સર્ટિફિકેટ રજૂ કરશે તો તે લોકો પાંચ ટકાનું વળતર આપશે. એક અંદાજ પ્રમાણે દેશમાં હાલ ૫૧ લાખ વાહનો ૨૦ વર્ષથી વધારે જૂના છે, જ્યારે ૩૪ લાખ વાહનો ૧૫ વર્ષથી વધારે જૂના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.