રાજકોટ મારવાડી યુનિવર્સિટીમાં ૮ વિદ્યાર્થી સંક્રમિત, આફ્રિકન વિદ્યાર્થીનું મોત
રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજકોટમાં ૨૪ કલાકમાં ૬ દર્દીઓના મોત થતા હાહાકાર મચી ગયો છે. જ્યારે આફ્રિકન વિદ્યાર્થીનું કોરોનાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.
રાજ્યભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર આવેલ કોવિડ સેન્ટરમાં આજે ૬ દર્દીઓના મોત નિપજ્યા હતા. કોરોનાના કેસમાં વધારો થતાં હવે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે કોરોનાના નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાની અધ્યક્ષતામાં બેઠક બોલાવી હતી અને તમામ પદાધિકારીઓને કોરોના ટેસ્ટ અને રસિકરણને લઈને લોકોને સમજાવવાના પ્રયાસ કરવા અપીલ કરી હતી.
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે. એકસાથે ૮ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. એ દરમિયાન કોરોના ગ્રસ્ત આફ્રિકન વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થતા વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. આરોગ્ય અધિકારી ડો. લલીત વાઝાએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસમાં સતત વધારો આવી રહ્યો છે. લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે. જે મોત થયા છે તેનો ર્નિણય ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. જેમાં કોરોના થી મોત થયા છે કે પછી કો-મોર્બીડિટી થી મોત થયા છે તેનો ર્નિણય કરવામાં આવશે.