જર્મનીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ હજારથી વધુ કેસઃ લોકડાઉન લંબાવવાની તૈયારી
નવીદિલ્હી: કોરોનાના વધતાં કેસના કારણે જર્મનીમાં ફરી એક વખત લોકડાઉન લંબાવવાની તૈયારી કરી લીધી છે. વધતાં સંક્રમણને રોકવા માટે તૈયાર કરવામાં આવેલ ડ્રાફ્ટ પ્રપોઝલમાં લોકડાઉનને સતત ૫માં મહિને વધારવાની સમગ્ર પ્રક્રિયા તૈયાર કરી લીધી છે. ચાન્સેલર એન્જેલા મર્કેલનો ઓફિસ તરફથી તૈયાર કરવામાં આવેલ પ્રપોઝલમાં લોક ડાઉનને ૧૮ એપ્રિલ સુધી વધારવાની વાત કરવામાં આવી છે.
જ્યારે, એક જ દિવસમાં સૌથી વધુ દર્દીઓ મળવાની બાબતે ભારત સમગ્ર દુનિયામાં બીજા નંબર પર પહોંચી ગયું છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૪૪,૦૦૯ કેસ સામે આવ્યા છે. આ દરમિયાન સૌથી વધુ કેસ બ્રાઝિલમાં આવ્યા છે, જ્યાં ૪૭,૭૭૪ લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ. ૩૯,૪૯૬ નવા કેસો સાથે અમેરિકા ત્રીજા નંબર પર રહ્યું.જર્મનીમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ ૧૦ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. અહી રવિવારે કોરોનાના ૧૧,૧૪૯ કેસ નોંધાયા હતા. આ દરમિયાન ૫,૬૦૦ લોકો કોરોનાથી સાજા થયા હતા અને ૧૨૩ લોકોને પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીં અત્યાર સુધીમાં ૨૬.૭૦ લાખ લોકો કોરોના પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે, ૭૫,૨૭૦ લોકોના મૃત્યુ થયા છે અને ૧.૭૯ લાખ લોકોની સારવાર ચાલી રહી છે.
ઇઝરાઈલે એર પેસેન્જરો પર લગાવેલા પ્રતિબંધોને હટાવી લીધા છે. સુપ્રીમ કોર્ટના ર્નિણય બાદ સરકારે આ ર્નિણય લીધો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ર્નિણયમાં કહ્યું હતું કે બે મહિનાથી લગાવેલા પ્રતિબંધો ગેરબંધારણીય છે. ત્યાર બાદ દેશની કોરોના કેબિનેટે આ ર્નિણય લીધો. આ પહેલા અહીંયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્ક્ત ૩૦૦ મુસાફરોને અજર-જવર કરવાની જ મંજૂરી હતી.
દુનિયાભરમા કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪.૨૦ લાખ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા અને ૫ હજારથી વધુ લોકોના મૃત્યુ થયા હતા. દુનિયામાં અત્યાર સુધીમાં ૧૨.૩૮ કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ૯.૯૭ કરોડ લોકો સાજા થયા અને ૨૭.૨૭ લાખ લોકોના મૃત્યુ થયા છે. જાે કે હજી ૨.૧૩ કરોડ દર્દીઓ સારવાર હેઠળ છે.
અમેરિકામાં કોરોનાના જુદા-જુદા સ્ટ્રેઇનના કેસ ૬ હજારને પાર થઈ ગયા છે. રિપોર્ટ મુજબ, અહીં અત્યાર સુધીમાં કોરોનાના નવા સ્ટ્રેઇનના કુલ ૬,૩૯૦ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી મોટાભાગના બ્રિટનમાં મળી આવેલ બી૧.૧.૭ સ્ટ્રેઇનના છે. અન્ય ૧૯૪ કેસ બી૧.૩૫૧ સ્ટ્રેઇનના છે, જે દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યો હતો અને ૫૪ કેસ પી૧ સ્ટ્રેઇનના છે, જે સૌથી પહેલા બ્રાઝિલમાં મળી આવ્યો હતો. આ ઉપરાંત, કેલિફોર્નિયામાં મળી આવેલ કોરોના સ્ટ્રેઇન બી૧.૪૨૭ અને બી ૧.૪૨૯ પણ સીડીસી તરફથી સખત ધ્યાન રાખવામા આવી રહ્યું છે. આ પાંચેય સ્ટ્રેઇનને સીડીસી દ્વારા ચિંતાના વિષય તરીકે જાેવામાં આવી રહ્યા છે.
ભારતમાં કોરોનાની બીજી લહેર વચ્ચે સૌથી વધુ સંક્રમણ લાગેલ દેશ બ્રાઝિલ-અમેરિકામાં દરરોજ નોંધાતા કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બ્રાઝિલમાં ૪૭ હજારથી વધુ કેસ નોંધાયા છે, તે આ પહેલા ૮૦ થી ૯૦ હજાર વચ્ચે આવી રહ્યા હતા. જ્યારે અમેરિકામાં પણ ગત દિવસોમાં ૫૦ થી ૬૦ હજાર કેસ આવી રહ્યા હતા, જે હવે ઘટીને લગભગ ૩૫ હજાર સુધી પહોંચ્યા છે.