વટવાની મરુઘર ઈન્ડસ્ટ્રીઝ પાસેથી લાખો રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલાશે
અમદાવાદ, વટવા જીઆઈડીસી ફેઝ-૪માં આવેલી મરુધર પ્રિન્ટિંગ ઈન્ડસ્ટ્રીઝમાં શુક્રવારે લાગેલી ભીષણ આગની દુર્ઘટનાના પડઘા હજુ શમ્યા નથી. મ્યુનિ. ફાયર બ્રિગેડ વિભાગની તપાસમાં કંપની પાસે ફાયર સેફટીની એનઓસી ન હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન તંત્રે હવે આગની દુર્ઘટનાના મામલે મરુઘર ઈન્ડસ્ટ્રીઝ પાસેથી લાખો રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.
મરુધર ઈન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં તમામ કર્મચારીઓનો બચાવ થયો છે. આગ લાગતાની સાથે જ કમ્ર્ચારીઓ બહાર નીકળી જવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. જાેકે કંપનીને ખાસ્સું નુકસાન થયું છે. એફએસએલની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. તેમ છતાં કંપનીમાં વેરવિખેર પડેલો સામાન હટાવવામાં ખાસ્સા દિવસો લાગશે.
આગની દુર્ઘટનામાં કંપનીને કમરતોડ ફટકો પડ્યો હોઈ તે નવેસરથી કામગીરી શરૂ કરી શકે તેમ હાલના સંજાેગોને જાેતાં લાગતું નથી, પરંતુ મ્યુનિ. ફાયર બ્રિગેડ કંપની પાસેથી લાખો રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવા સહિત તેને કલોઝર નોટિસ ફટકારશે, જેમાં જયાં સુધી ફાયર સેફટીની એનઓસી ન મેળવાય ત્યાં સુધી બંધ રાખવાની તાકીદ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફાયર સેફટીના મામલે શહેરની ઈન્ડસ્ટ્રીઝ માલિકોના ભરોસે છે. શેહરની ર૦ હજાર ઈન્ડસ્ટ્રી પૈકી દસ ટકા પાસે પણ એનઓસી નથી, તેમાં પણ પીરાણાની સાહિલ કેમિકલ ફેકટરી અને વટવા જીઆઈડીસીની માતંગી ઈન્ડસ્ટ્રીઝની ગમખ્વાર દુર્ઘટના બાદ પણ ફેકટરી માલિકોની ઉંઘ ઉડતી નથી. (એન.આર.)