રાષ્ટ્રધ્વજ દર્શાવતી કેક કાપવી એ ગુનો નથી : મદ્રાસ હાઈકોર્ટ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Madras-High-Court.jpg)
ચેન્નાઇ: દેશના તિરંગા ના અપમાન ને લઈને અવારનવાર વિવાદ ઉપસ્થિત થતા હોય છે. એટલું જ નહીં કોઈ રાજકીય નેતા કે દેશનો નાગરિક પોતાના જન્મદિવસની કેક ભારતીય તિરંગા જેવી બનાવી અને કાપે ત્યારે પણ વિવાદ થતો હોય છે. આપણા દેશમાંથી તિરંગો એ આપણી ભારતીયતાનું પ્રતિક છે, તેની સાથે દેશના કરોડો લોકોની લાગણી જાેડાયેલી છે. તિરંગાની રચનાનો પણ એક અદભુત અને શૌર્ય ગાથા ધરાવતો ઇતિહાસ છે.ત્યારે આજે મદ્રાસ હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો, કોઈમ્બતુરમાં ૨૦૧૩માં ક્રિસમસની ઉજવણી વખતે તિરંગો દોરેલી કેક કટ કરાઈ હતી,
જે મામલે આજે મદ્રાસ હાઇકોર્ટે ફેંસલો કરતા કહ્યું કે, રાષ્ટ્રધ્વજના ચિત્રણ વાળી કેક કાપવી એ ગુનો નથી. કોર્ટે ચુકાદામાં સાથે ટિપ્પણી કરી કે, દેશભક્તિ ભૌતિક કાર્ય દ્વારા નક્કી કરવામાં આવતી નથી, કૃત્ય પાછળની મંશા સાચી પરીક્ષા છે.ન્યાયાધીશ એન. આનંદ અને ન્યાયાધીશ વેંકટેશે કોઈમ્બતુરના પોલીસકર્મીની ગુનાહિત મૂળ અરજીને સ્વીકારતી વખતે કહ્યું હતું કે, રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ, ૧૯૭૧ ની કલમ ૨ હેઠળ આવા કૃત્યને ગુનો ગણી શકાય નહીં.
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે૨૫ ડિસેમ્બર, ૨૦૧૩ ના રોજ કોઈમ્બતુરમાં નાતાલની ઉજવણી માટે આયોજિત એક જાહેર કાર્યક્રમમાં છ ફુટ લાંબી અને પાંચ ફુટ પહોળી કેક કાપવામાં આવી હતી, જેના પર ભારતીય નકશો અને ત્રિરંગો ધ્વજ ચિહ્નિત કરેલો હતો, જેની વચ્ચે અશોક ચક્ર બનાવ્યું હતું. કેક કટ થયા બાદ વિશેષ મહેમાનો અને ૧૦૦૦ બાળકો સહિત, આશરે ૨,૫૦૦ સહભાગીઓમાં તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોઈમ્બતુર જિલ્લા કલેક્ટર અને ડીસીપી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેને રાષ્ટ્રધ્વજનું અપમાન ગણાવતાં હિન્દુ પબ્લિક પાર્ટીના ડી.સંતિલ કુમારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જેથી જ્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહતી, તેથી તેણે સ્થાનિક મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂઆત કરી, જેણે ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૭ ના રોજ, કાયદાની કલમ ૨ હેઠળ ગુનો માટે સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા અને અંતિમ અહેવાલ દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો. જાેકે આજે મદ્રાસ હાઇકોર્ટના ન્યાયાધીશે ફરિયાદમાં કોઈ ગુનો સાબિત થયો ન હોવાનું જણાવી મેજિસ્ટ્રેટના આદેશને ફગાવી દીધો હતો.
આ ચુકાદો આપતા પહેલા કોર્ટે ઉદાહરણ પણ આપ્યું હતું, કોર્ટે કહ્યું કે, ગણતંત્ર, સ્વતંત્ર દિવસમાં કેટલાક સમારોહ દરમિયાન ભાગ લેનારાઓને રાષ્ટ્રધ્વજ પ્રદાન કરવામાં આવે છે. હકીકતમાં, સહભાગીઓ સ્થળ છોડ્યા પછી તેઓ ધ્વજ સાથે લઈ જતા નથી અને તે એક નકામા કાગળનો ટુકડો બની જાય છે. કોર્ટે કહ્યું કે શું આનો અર્થ એ છે કે દરેક સહભાગી રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે? અને તેની સામે કાયદાની કલમ ૨ હેઠળ કાર્યવાહી થવી જાેઈએ? સ્પષ્ટ રીતે તેનો જવાબ ના છે.