૧ એપ્રિલથી ૪૫ વર્ષથી વધુના તમામ લોકોને વેકસીન અપાશે
નવીદિલ્હી: દેશમાં પહેલી એપ્રિલથી ૪૫ વર્ષથી ઉપરના તમામ લોકો કોરોના વેક્સીન લઈ શકશે. કેન્દ્રીય કેબિનેટે આજે મંગળવારે તેની જાહેરાત કરી છે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે અત્યાર સુધી ૪૫થી ૬૦ વર્ષની વચ્ચે માત્ર ગંભીર બીમારીવાળા લોકોને જ વેક્સીન આપવામાં આવી રહી હતી. પરંતુ પહેલી એપ્રિલથી ૪૫ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો કોરોના વેક્સીન લઈ શકશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, દેશમાં વેક્સીનની પૂરતી માત્રા ઉપલબ્ધ છે. કોરોના વેક્સીનની ક્યાં પણ અછત નથી.
પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, અમે ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ કોરોના વેક્સીન વહેલી તકે લઈ લે જેથી તેમને કોવિડ-૧૯ સામે શિલ્ડ મળી રહે. નોંધનીય છે કે, દેશમાં કુલ ૪ કરોડ ૮૪ લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં સોમવારે ૩૦ લાખથી વધુ લોકોને કોવિડ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
આ દરમિયાન પંજાબથી જીનામ સીક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા ૪૦૧ સેમ્પલમાંથી ૮૧ ટકામાં બ્રિટનવાળા વેરિયન્ટની પુષ્ટિ થઈ છે. તેનાથી યુવા સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. તેને લઈને રાજ્યના મુખ્યમંત્રી અમરિંદર સિંહ ચિંતિત છે. મુખ્યમંત્રીના સલાહકાર રવીલ ઠુકરાલે વડાપ્રધાન મોદીને અપીલ કરી છે કે વેક્સીનેશન પ્રોગ્રામમાં ૬૦થી ઓછી ઉંમરના લોકોને પણ સામેલ કરવામાં આવે. પંજાબ પહેલા દિલ્હી, મહારાષ્ટ્ર પણ યુવાઓના વેક્સીનેશન કરાવવાની માંગ કરી ચૂક્યા છે.
બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૦,૭૧૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૯૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૬,૮૬,૭૯૬ થઈ ગઈ છે.ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે.
છેલ્લા ૨૪ કલાકમાં પણ ૪૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્રમાં જ માત્ર ૨૪ હજાર કેસ નોંધાયા છે. પંજાબમાં ૨૩૦૦થી વધુ કેસ નોંધાયા છે તો ગુજરાતે પણ ચિંતા વધારી છે. મહારાષ્ટ્રમાં કુલ કેસોની સંખ્યા ૨૫ લાખને પાર થઈ ગઈ છે. મૃત્યુઆંકની વાત કરીએ તો ૧૯૯ લોકોનાં મોત થયા છે જેમાં સૌથી વધુ પંજાબ અને મહારાષ્ટ્રમાં ૫૮-૫૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. છત્તીસગઢમાં ૧૨ અને કેરળમાં ૧૨ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.