પહેલી એપ્રિલથી ૪૫થી વધુની વયના લોકોને વેક્સિન અપાશે
વેક્સિનેશન માટે માત્ર રજિસ્ટ્રેશન કરાવવું પડશે, સરકારી કે પ્રાઈવેટ સેન્ટર્સ ઉપર સરળતાથી વેક્સિન મળી જશે
નવી દિલ્હી,ભારત સરકારે કોરોના વેક્સિનેશનને લઈને એક ખૂબ જ મહત્વનો ર્નિણય લીધો છે. દેશમાં પહેલી એપ્રિલથી વેક્સિનેશનનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. પહેલી એપ્રિલથી ૪૫ વર્ષ કરતા વધારે ઉંમર ધરાવતા તમામ નાગરિકોને કોરોના વેક્સિન આપવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, વેક્સિનેશન માટે માત્ર રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારી કે પ્રાઈવેટ સેન્ટર્સ પર સરળતાથી વેક્સિન મળી જશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી સ્વાસ્થ્યકર્મીઓ, કોરોના વોરિયર્સની સાથે ૬૦ વર્ષ કરતા વધારે ઉંમર ધરાવતા અને ગંભીર બીમારીથી પીડિત હોય તેવા ૪૫ વર્ષ કરતા વધારે ઉંમરના નાગરિકોને વેક્સિન અપાઈ રહી હતી. પરંતુ કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને પગલે વેક્સિનેશનનો વ્યાપ અને સ્પીડ વધારવાની માંગણી થઈ રહી હતી.
આ કારણે સરકારે પહેલી એપ્રિલથી ૪૫ વર્ષ કરતા વધારે ઉંમરના લોકોને વેક્સિન લેવાની મંજૂરી આપી છે. હાલ દેશમાં ૧૦,૦૦૦ સરકારી સેન્ટર્સ અને હજારો પ્રાઈવેટ સેન્ટર્સ પર કોરોના વેક્સિન અપાઈ રહી છે. સરકારી સેન્ટર્સ પર ફ્રીમાં વેક્સિન ડોઝ અપાઈ રહ્યો છે જ્યારે પ્રાઈવેટ સેન્ટર પર પ્રતિ ડોઝના ૨૫૦ રૂપિયા ચાર્જ લેવામાં આવી રહ્યો છે.