૬૧ વર્ષીય સંજયે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/sanjay-dutt-1024x768.jpg)
મુંબઈ: આપણા દેશમાં કોરોનાની રસી આપવાનું કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ લાઈન વોરિયર્સ બાદ ૪૫ વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવતાં લોકો અને ૬૦ વર્ષથી ઉપરના વૃદ્ધોને રસી આપવાનું કાર્ય ચાલી રહ્યું છે. સામાન્ય લોકોની સાથે હવે સેલિબ્રિટીઝ પણ રસી લઈ રહ્યા છે. મંગળવારે એક્ટર સંજય દત્તે પણ કોરોનાની રસી લીધી હતી. સંજય દત્તે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તસવીર શેર કરીને આ વિશેની જાણકારી આપી હતી.
૬૧ વર્ષીય સંજય દત્તે મુંબઈના બીકેસી વેક્સિન સેન્ટરમાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. રસી લેતી તસવીર શેર કરીને સંજય દત્તે લખ્યું, બીકેસી વેક્સીન સેન્ટર ખાતે કોવિડ-૧૯ની રસીનો પહેલો ડોઝ લીધો છે. હું ડૉક્ટર ધેરે અને તેમની આખી ટીમને આ અદ્ભૂત કામ કરવા બદલ અભિનંદન પાઠવું છું. આ તમામ અને તેમના પરિશ્રમ પ્રત્યે મને પ્રેમ અને માન છે. જય હિંદ. મહત્વનું છે કે, સંજય દત્ત પહેલા ધર્મેન્દ્ર, સૈફ અલી ખાન, શર્મિલા ટાગોર, હેમા માલિની, સતીશ શાહ, શિલ્પા શિરોડકર, જાેની લીવર, મેઘના નાયડૂ, અર્ચના પૂરણ સિંહ, નીના ગુપ્તા, રાકેશ રોશન, કમલ હાસન, જિતેન્દ્ર, પરેશ રાવલ વગેરે જેવા સેલિબ્રિટીઝે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો છે.
જણાવી દઈએ કે, ઓગસ્ટ ૨૦૨૦માં સંજય દત્તને કેન્સરનું નિદાન થયું હતું. જે બાદ તેમણે કામમાંથી થોડો સમય બ્રેક લીધો હતો અને સારવાર કરાવી હતી. ઓક્ટોબર ૨૦૨૦માં સંજય દત્તે કેન્સર સામેની જંગ જીતી હોવાનું જણાવ્યું હતું. કેન્સરથી સાજા થયા બાદ સંજય દત્તે આગામી ફિલ્મ ‘કેજીએફઃ ચેપ્ટર ૨નું શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મથી સંજય દત્ત કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે. કન્નડ સ્ટાર યશના લીડ રોલવાળી ફિલ્મ કેજીએફઃ ચેપ્ટર ૨માં સંજય દત્ત નેગેટિવ રોલમાં છે. આ ફિલ્મમાં સંજય દત્ત ઉપરાંત રવિના ટંડન પણ મહત્વના રોલમાં જાેવા મળશે.