જિલ્લા પંચાયત ખાતે “વિશ્વ ક્ષય દિવસ”ની ઉજવણી કરાઇ
આજે અમદાવાદ જિલ્લા પંચાયતમાં “વિશ્વ ક્ષય દિવસ (ટી.બી. દિવસ)” ની ઉજવણી કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૨૧ ના “વિશ્વ ક્ષય દિવસ”ની વિશિષ્ટ પ્રકારની ઉજવણીમાં જિલ્લા પંચાયત તંત્ર દ્વારા “માસ્ક સેલ્ફી કેમ્પેઇન”નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં લોકોએ “ટી.બી. હારશે , દેશ જીતશે“ના સુત્રને ચરિતાર્થ કરવા અને કોરોનાકાળમાં માસ્કનું મહત્વ સમજાવવા માટે માસ્ક સેલ્ફી દ્વારા લોકોને સંદેશો આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વર્ષ દરમિયાન અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ટી.બી. જાગૃતિ અંગે કામગીરી કરવામાં આવે છે. સતત લોકોના સંપર્કમાં રહીને ટી.બી. રોગ વિશેની જાણકારી આપી તે માટેના ટેસ્ટ કરાવવાની કામગીરી વિશેની માહિતી પહોંચાડવાની કામગીરી ગ્રામ્ય ક્ષેત્રે સુપેરે કરવામાં આવી રહી છે.
આજ રોજ કરાયેલ ઉજવણીમાં ટી.બી. જાગૃતિ અંગેની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.