છેલ્લાં ૭ દિવસમાં ગુજરાતના ૮ ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે એક બાદ એક પ્રતિબંધો લાગૂ કરવામાં આવી રહ્યા છે. તો આ તરફ વિધાનસભા ગૃહમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના એક બાદ એક ૮ ધારાસભ્યો કોરોનાગ્રસ્ત થયાં છે. આ ઉપરાંત વિધાનસભામાં કામ કરતા ૧૦થી વધુ કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આજના દિવસની વાત કરવામાં આવતે તો એક જ દિવસમાં ૩ ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
અત્યાર સુધીમાં જે ૮ ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે તેમા બાબુ જમના પટેલ – ધારાભ્ય દસક્રોઇ,વિજય પટેલ – ધારાસભ્ય ડાંગ, પૂંજા વંશ – ધારાસભ્ય ઉના,નૌશાદ સોલંકી — દસાડા ધારાસભ્ય,શૈલેષ મહેતા – ડભોઇ ધારાસભ્ય,ઇશ્વર પરમાર – ધારાસભ્ય બારડોલી (માત્ર હોમ આઇસોલેટ),મોહન ઢોડિયા – ધારાસભ્ય, સુરત,ભીખાભાઇ બારૈયા,ધારાસભ્ય પાલીતાણા,ભરતજી ઠાકોર ધારાસભ્ય બહુચરાજીનો સમાવેશ થાય છે. કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને વિધાનસભામાં મુલાકાતીઓ માટે પ્રતિંબધ લાદવામાં આવ્યો છે. તો હવે અધિકારી અને સ્ન્છ સિવાય અન્ય કોઇને પ્રવેશ નહીં આપવામાં આવે. અધ્યક્ષની ચેમ્બરમાં મળેલી બેઠકમાં તાબડતોબ આ ર્નિણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કોરોના સંક્રમણ મુદ્દે નિવેદન આપ્યું છે. અગાઉ તેમણે કહ્યું હતુ કે, વિધાનસભા રદ્દ કરવાની માગ કરી હતી. હાલ ગાંધીનગરમાં ચૂંટણી હોવાથી સરકાર માગ ન સ્વીકારતી હોવાના આક્ષેપો કોંગ્રેસના ધારાસભ્યએ લગાવ્યા છે. જણાવી દઇએ કે, કોંગ્રેસના પણ હાલ ૨ ધારાસભ્યો કોરોનાગ્રસ્ત થયા છે.