Western Times News

Gujarati News

બ્રાઝિલમાં દિવસમાં કોરોનાથી ૩૦૦૦થી વધુ દર્દીઓનાં મોત

બ્રાઝિલિયા: દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલમાં કોરોના વાયરસની જીવલેણ ગતિએ સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. અહીં પ્રથમ વખત એક જ દિવસમાં કોરોના વાયરસના ચેપને કારણે ૩૦૦૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દરરોજ કોરોના વાયરસથી થતા મોત મામલે બ્રાઝિલ વિશ્વમાં ટોપ પર છે. મંગળવારે બ્રાઝિલમાં ૩૨૫૧ લોકોનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે.

બ્રાઝિલનું સૌથી વધુ વસ્તી ધરાવતાં રાજ્ય સાઓ પાઉલોમાં ૧૦૨૧ મૃત્યુ થયા છે, જે અગાઉના સૌથી વધુ ૭૧૩ની સંખ્યા કરતા ઘણા વધારે છે. ગયા વર્ષે જુલાઈમાં અહીં કોવિડ -૧૯ને કારણે ૭૧૩ લોકોનાં મોત નીપજ્યાં હતાં. રોગચાળો લગભગ બ્રાઝિલની આરોગ્ય પ્રણાલીનો નાશ કરી ચૂક્યો છે. હોસ્પિટલોમાં આઈસીયુ બેડ અને ઓક્સિજન ભંડારની અછત છે. તાજેતરના સમયમાં મોટાભાગના રાજ્યોએ પ્રતિબંધો પણ મૂક્યા છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ રોગચાળાની ગંભીરતાની અવગણના કરી છે અને કહ્યું છે કે અર્થતંત્ર ચાલુ રાખવું જ જાેઇએ જેથી તેની સ્થિતિ ન બગડે. સ્થાનિક નેતાઓ દ્વારા લેવામાં આવતા આરોગ્યલક્ષી પગલાંની પણ તેમણે ટીકા કરી હતી. શુક્રવારે તેમણે બે રાજ્યો અને બ્રાઝિલના ફેડરલ ડિસ્ટ્રિક્ટ દ્વારા લાદવામાં આવેલા કર્ફ્‌યુને અમાન્ય કરવા માટે કોર્ટને અપીલ કરી હતી. આ સંદર્ભે કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે, રાજ્યપાલ અને મેયરને આવા પ્રતિબંધો લાદવાનો અધિકાર છે.

જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા મુજબ બ્રાઝિલમાં કુલ મૃત્યુઆંક ૩૦૦,૦૦૦ની નજીક પહોંચી ગયો છે, જે કોવિડ -૧૯થી મૃત્યુની બાબતમાં વિશ્વમાં અમેરિકા પછી બીજા ક્રમે છે. મૃત્યુ અને ચેપના મામલે અમેરિકા હજી ટોપ પર છે. જ્યારે, ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. રસીકરણ પછી પણ ચેપની વધતી ગતિએ વિશ્વની ચિંતા વધારી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.