દેશમાં ૨૪ કલાકમાં ૫૦ હજારથી પણ વધારે નવા કોરોના કેસ
નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ વધતા રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે અને આ ચિંતાનો વિષય છે. આ સાથે વેક્સીનેશન પણ પોતાની ગતિએ ચાલી રહ્યું છે. છેલ્લા ૨ મહિનામાં દેશમાં ૫ કરોડ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતની ૧૩૭ કરોડની આબાદીના કારણે વેક્સીનેશનની ગતિ ઘટી છે. જે રીતે કેસ વધવાના શરૂ થયું છે તે રીતે હર્ડ ઈમ્યુનિટી આવવાનો અણસાર ઓછો છે.
એક દિવસમાં દેશમાં કોરોનાના ૫૩ હજાર ૪૧૯ નવા કેસ આવ્યા છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી ૨૬ હજાર ૫૭૫ દર્દી રિકવર થયા છે. તો સાથે જ એક દિવસમાં દેશમાં કોરોનાથી ૨૪૯ દર્દીના મૃત્યુ પણ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ ૩ લાખ ૪૯ હજાર ૯૫૬ થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ ૧ કરોડ ૧૭ લાખ ૮૭ હજાર ૧૩ સુધી પહોંચી ચૂક્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા ૧ કરોડ ૧૨ લાખ ૨૯ હજાર ૫૯૧ થઈ છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧ લાખ ૬૦ હજાર ૭૨૬ સુધી પહોંચી ચૂક્યો છે.
દેશમાં સૌથી વધારે કોરોના વાયરસના કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે જ્યાં એક દિવસમાં ૩૧ હજાર કોરોના વાયરસના કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ઘણા બધા શહેરોમાં વીકેન્ડ લોકડાઉન અને કેટલાય શહેરોમાં નાઈટ કર્ફ્યૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસની સંખ્યા એક્ટિવ કેસ વધીને અઢી લાખને પાર થઈ ગઈ છે. મહારાષ્ટ્રની સાથે સાથે કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળમાં પણ કોરોના વાયરસના કારણે ટેન્શન વધી રહ્યું છે. યુપીમાં પણ જાન્યુઆરી બાદ પહેલીવાર ૭૦૦થી વધારે કેસ સામે આવ્યા છે.
દરમિયાન વિશ્વમાં કોરોનાનું સંક્રમણ યથાવત રહ્યું છે એક દિવસમાં વિશ્વમાં કોરોનાના નવા કેસની સંખ્યા ૫ લાખ ૮૩ હજાર ૮૪૧ વધી છે. એક દિવસમાં કોરોનાથી ૧૦ હજાર ૪૦૯ના મૃત્યુ થયા છે અને સાથે જ વૈશ્વિક સ્તરે કોરોનાના એક્ટીવ કેસ ૨ કરોડ ૧૩ લાખ ૮૧ હજાર ૮૮૪ પહોંચી ગયા છે. વૈશ્વિક સ્તરે કોરોનાના કુલ કેસ ૧૨ કરોડ ૫૪ લાખ ૧૫ હજાર ૬૪૦ થયા છે. કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા ૧૦ કરોડ ૧૨ લાખ ૭૭ હજાર ૬૯૭ થઈ છે તો વૈશ્વિક સ્તરે કોરોનાથી કુલ મૃત્યુઆંક ૨૭ લાખ ૫૬ હજાર ૫૯ થયો છે.