દોઢ મહિના પહેલા જ અમદાવાદમાંથી પકડાયેલા MD ડ્રગ્સના સપ્લાયરની સુરતમાં હત્યા
એમડી ડ્રગ્સનો સપ્લાયર અને અનેક ગુનાઓમાં પંકાયેલો હતો- સરથાણામાં આણંદના માથાભારે હિસ્ટ્રી ચિટરની ઘાતકી હત્યા બાઈક પર આવેલા બે ઈસમોએ જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી રહેશી નાખ્યો
સુરત, આણંદમાં રહેતા અને માથાભારે તરીકે પંકાયેલા હિસ્ટ્રી ચિટરની સુરતમાં ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતક માથાભારે ઈસમ એમડી ડ્રગ્સનું સેવન કરવાની સાથે સાથે સપ્લાય કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે. સરથાણા વિસ્તારમાં ભરબપોરે સરાજાહેર ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે.
એક બાઈક પર આવેલા બે ઈસમોએ યુવકને આંતરી ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. બનાવની જાણ થતાની સાથે જ સરથાણા પોલીસ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને હત્યા કોણે અને શા માટે કરી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે આણંદમાં બાથડ રોડ પર રહેતો અને માથાભારે તરીકે ઓળખાતો સિધ્ધાર્થ રાવ નામનો ઈસમ સુરતમાં આવ્યો હતો. છેલ્લા થોડાક સમયથી તે સુરતમાં ફરતો હતો. આજે બપોરના સમયે સિધ્ધાર્થ સરથાણા જકાતનાકા ડ્રિમલેન્ડની સામે સર્વિસ રોડ પર ઉભો હતો ત્યારે એક બાઈક પર બે ઈસમો આવ્યા હતા.
સિધ્ધાર્થ હજુ કઈ સમાજે વિચારે તે પહેલા જ બાઈક પર આવેલા બંને ઈસમોએ પોતાની પાસેનું ચપ્પુ કાઢી સિધ્ધાર્થને બંને પગના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. સિધ્ધાર્થ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ સરથાણા પોલીસ મથકના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
સરથાણા પોલીસે સિધ્ધાર્થની લાશને સ્મીમેર મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સિધ્ધાર્થની હત્યા કોણે કરી છે અને શા માટે કરી છે તે દિશામાં હાલ તો પોલીસે તપાસ શરુ કરી છે. ભરબપોરે સિધ્ધાર્થની ઘાતકી હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે સરથાણા પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ શરુ કરી છે.
દોઢ મહિના પહેલા જ અમદાવાદમાં પકડાયો હતો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક સિધ્ધાર્થ આણંદમાં માથાભારે તરીકે છાપ ધરાવે છે. આણંદમાં અનેક ગુનાઓ તેમના માથે પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. દોઢ મહિના અગાઉ પણ તે અમદાવાદમાં હથિયાર સાથે પકડાયો હતો જેના કારણે તેના પાર આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો પણ નોંધાયો હતો.
જામીન પર બહાર આવ્યા બાદ તે છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં ફરતો હોવાનું જાણવા મળ્યું છે. સિધ્ધાર્થ એમડી ડ્રગ્સનું સેવન પણ કરતો હતો અને એમડી ડ્રગ્સનું સપ્લાય પણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. સિધ્ધાર્થ હિસ્ટ્રી ચીટર હોવાના કારણે તેની હત્યા કોણે કરી તે કહેવું મુશ્કેલ છે પરંતુ હાલ તો પોલીસને આણંદની જ કોઈ ગેંગનો હાથ હોવાની શંકાના આધારે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.