મુન્દ્રા કેસમાં છ વર્ષની બહેને ખોલ્યો હત્યારા પિતાનો રાઝ ‘મારા પપ્પાએ જ ભાઈને માર્યો
ભુજ: કચ્છનાં મુન્દ્રામાં ગંભીર અને ચકચારી ઘટના બની હતી. એક પિતાએ પોતાના ૧૦ વર્ષીય પુત્રને મોતને ઘાટ ઉતારી જમીનમાં દફનાવી દીધો હોવાનો કિસ્સો બન્યો હતો. નાના કપાયા નજીક આવેલ જંગલ વિસ્તારમાંથી પુત્રની દફનાવેલી લાશ બહાર કાઢવામાં આવી હતી. ત્યારે ૬ વર્ષની દીકરીએ જ હત્યારા પિતાનો રાજ ખોલ્યો હતો, અને પોલીસને કહ્યું હતું કે, ‘મારા પપ્પાએ જ ભાઈને મારીને જમીનમાં દાટી દીધો હતો.’
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ નેપાળના હરીશ કામીનો પરિવાર મુન્દ્રાના જલારામનગર વિસ્તારમાં રહે છે. હરીશ કામીને સંતાનમાં ૯ વર્ષનો પુત્ર દિનેશ અને ૬ વર્ષની દીકરી છે. ત્યારે સોમવારે બપોરે અગમ્ય કારણોસર પુત્ર દિનેશનું મોત નિપજ્યું હતુ. આ અંગે હરીશે પોતાના સ્વજનોને જાણ કરી હતી. જેથી તેના કાકા અને કેટલાક સ્વજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. કુદરતી મોત માનીને પરિવારે દિનેશની દફનવિધી કરી હતી.
પરિવારના તમામ લોકો એમ જ માનતા હતા કે, દિનેશનું મોત કુદરતી રીતે થયું છે. પરંતુ એ જ દિવસે સાંજે દિનેશની ૬ વર્ષની બહેને પરિવારજનોને જે વાત કહી તેથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. ૬ વર્ષની બહેને કાકા નયનસિંગને કહ્યું કે, મારા પપ્પાએ જ મારા ભાઈને મારી નાંખ્યો છે. આ સાંભળી પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
આ વાત પર પરિવારજનોએ હરીશ કામીની આકરી પૂછપરછ કરી હતી. જેથી હરીશે તેના ગોળગોળ જવાબો આપ્યા હતા. જેથી પરિવારના સભ્યોને હરીશ પર શંકા ગઈ હતી. જેથી કાકા નયનસિંગે મુન્દ્ર પોલીસ મથકમાં આ વિશે ફરિયાદ કરી હતી. શંકાસ્પદ મોત અંગે પરિવારજને પોલીસ સમક્ષ શંકા રજૂ કરતા તપાસ કરાઈ હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. સરકારી પંચોની હાજરીમાં લાશ કઢાઈ હતી, જેને પીએમ રીપોર્ટ માટે જામનગર મોકલવામાં આવી હતી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ પુષ્ટિ થઈ હતી કે, પિતાએ જ પુત્રની હત્યા કરી છે. જાેકે, હરીશે પણ કબૂલ્યું કે, આર્થિક સંકડામણને કારણે હરીશે પોતાના પુત્રની હત્યા કરી હતી.