ટિકરી બોર્ડર પર ખેડૂતો માટે ૪૦ બેડની હોસ્પિટલ તૈયાર
નવી દિલ્હી, કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની ચર્ચા ભલે ઓછી થઈ ગઈ હોય પણ ખેડૂત સંગઠનો હજી પણ દિલ્હી બોર્ડર પર અડીંગો જમાવીને બેઠેલા છે.
હવે ખેડૂતો માટે ઈન્ડિયન નેશનલ લોકદળ દ્વારા ટિકરી બોર્ડર પર ૪૦ બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે.પાર્ટીનુ કહેવુ છે કે, સરકાર ખેડૂતોને સ્વાસ્થ્ય સેવાથી વંચિત રાખવા માંગતી હતી જેથી આંદોલનમાં વિઘ્ન આવે .એટલે જ અમારી પાર્ટીએ મહત્તમ સ્તરે સ્વાસ્થ્યની સુવિધા ખેડૂતોને મળે તેવો ર્નિણય લીધો હતો.
જેના પગલે ટિકરી બોર્ડર પર એક હોસ્પિટલ બનાવવાની સાથે સાથે મેડિકલ કેમ્પ શરુ કરાયો છે.અહીંયા બે વોર્ડ જનરલ છે અને એક વોર્ડ મહિલાઓ માટે રાખવામાં આવ્યો છે. ખેડૂતો ૨૫ નવેમ્બરથી દિલ્હીની બોર્ડરો પર પ્રદર્શન કરી રહ્યા છે.બીજી તરફ ૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર રેલીમાં થયેલી હિંસા બાદ ખેડૂત આંદોલનનો વેગ થોડો ધીમો પણ પડી ગયો છે. સરકાર ખેડૂતો સાથે ફરી વાતચીત શરુ કરવાના મૂડમાં હોય તેવુ પણ લાગતુ નથી.