ફિટનેસ માટે ચર્ચામાં રહેતા અભિનેતા મિલિંદને કોરોના
મુંબઈ: બોલિવૂડમાં સતત કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રોજ કોઈને કોઈ કોરોના વાયરસ પોઝિટિવ થતા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે બોલિવૂડનો જાણીતો એક્ટર મિલિંદ સોમણ કોરોના પોઝિટિવ થયો છે. મિલિંદ સોમણે સોશિયલ મીડિયા પર કોરોના પોઝિટિવ થયો હોવાની જાણકારી આપી છે. મિલિંદ સોમણે ગુરુવારે તેના સોશિયલ મીડિયા ટિ્વટર હેન્ડલ પર લખ્યું કે કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
મિલિંદ સોમણ હાલ ક્વોરન્ટિન છે. પોતાની હેલ્થ અને ફિટનેસ માટે ચર્ચામાં રહેતો મિલિંદ સોમણ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વિડીયો અને ફોટોગ્રાફ્સ શેર કરતો રહે છે. મિલિંદ સોમણના ફેન્સ પણ તેનાથી ઘણાં પ્રેરિત થાય છે. મિલિંદ સોમણ પહેલા પણ બોલિવૂડના ઘણાં સેલેબ્સ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં આમિર ખાન, આર માધવન, રણબીર કપૂર, મનોજ બાજપેયી, કાર્તિક આર્યન, સિદ્ધાંત ચતુર્વેદી, તારા સુતરિયા અને સતીશ કૌશિક સહિતના સેલેબ્સનો સમાવેશ થાય છે.
જ્યારે બીજી બાજુ ઘણાં સેલેબ્સ કોરોનાની વેક્સિનનો ડોઝ લઈ રહ્યા છે. શર્મિલા ટાગોર, ધર્મેન્દ્ર, રાકેશ રોશન, અલકા યાજ્ઞિક, સતીશ શાહ, હેમા માલિની, જ્હોની લીવર, પરેશ રાવલ, જિતેન્દ્ર, કમલ હાસન, મોહનલાલ, નાગાર્જુન સહિત તમામ બોલિવૂડ સેલેબ્સ કોરોના વેક્સિન લગાવી ચૂક્યા છે. એક્ટર મિલિંદ સોમણે જે ટીવી શૉમાં એક્ટિંગ કરી છે તેમાં ‘સી હૉક્સ’, કેપ્ટન વ્યોમ વગેરેનો સમાવેશ થાય છે જ્યારે તેની જાણીતી ફિલ્મોમાં ૧૬ ડિસેમ્બર, રુલ્સઃ પ્યાર કા સુપરહિટ ફોર્મ્યુલા, ભેજા ફ્રાય, બાજીરાવ મસ્તાની વગેરેનો સમાવેશ થાય છે.