રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત બગડતા દાખલ કરાયા
નવીદિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત લથડી હોવાના સમાચાર પ્રાપ્ત થયાં છે. વહેલી સવારે તેમને છાતીમાં દુઃખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિએ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતા તેમને દિલ્હી સ્થિત આર્મી હોસ્પિટલમાં તેમને સારવાર અર્થે તાત્કાલિક અસરથી ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોની ખાસ ટીમ દ્વારા તેમનું રૂટિન ચૅક-અપ કરાયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે.
આર્મી હોસ્પિટલે મેડિકલ બુલેટિન જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સવારે છાતીમાં દુઃખાવો થતો હોવાની વાત કરી હતી. જાે કે ત્યારબાદ તેમને આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ચેકઅપ કરાયું હતું અને હાલ સ્થિતિ સ્થિર છે.
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આર્મી હોસ્પીટલમાં જ ૩ માર્ચે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. રાષ્ટ્રપતિ તેમની પુત્રી સાથે આર્મી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમને રસી લીધી હતી. ત્યારબાદ, તેમણે દેશમાં રસીકરણ અભિયાન સફળતાપૂર્વક ચલાવવા બદલ ડોકટરો, નર્સો અને આરોગ્ય કાર્યકરોનો આભાર માન્યો અને પાત્ર લોકોને રસી અપાવવા અપીલ કરી.