સુરતમાં પિતાની સારવાર માટે લોન લેતા પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત થયેલા યુવકે આપઘાત કર્યો
સુરત: સુરત શહેરમાં ભાગ્યે જ એવો દિવસ ઉગે છે જે દિવસે આપઘાતની ઘટના ન ઘટી હોય. આર્થિક હરણફાળ ભરતા સુરતે અનેક લોકોનાં સ્વપ્ન પુરા કર્યા છે પરંતુ આ ભીડમાં એવા અનેક હતભાગી છે જેમના માટે બે ટંકાના રોટલા અને પરિવારની જરૂરિયાતો પૂર્ણ કરવી પણ દોહ્યલી બને છે. શહેરમાં વ્યાજખોરો બેફામ છે.
જરૂરિયાતમંદ માણસ જ્યારે વ્યાજે રૂપિયા લેવા નીકળે છે ત્યારે તે પોતાની પાસેનો અંતિમ વિકલ્પ પસંદ કરતો હોય છે પરંતુ વ્યાજખોરો માનવતા તો ઠીક પરંતુ કાયદાને પણ ન ગાઠતા હોય તેમ પઠાણી ઉઘરાણીઓ કરાવે છે અને અનેક લોકોને મરવા મજબૂર કરે છે. આવી જ એક દુઃખદ ઘટના શહેરના અડાજણ વિસ્તારમાં બની છે. અહીંયા કથિત રીતે પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીના વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી એક આશાસ્પદ યુવકે ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી છે. આ યુવક પોતાની પાછળ ૩ વર્ષની દીકરી અને પત્નીને આગળની જિંદગી વિલાપમાં ગુજારવા છોડી ગયો છે.
યુવકે લોનના રૂપિયા ચુકવવામાં અસક્ષમ હોવાના કારણે ચારેકોરથી નાણા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ પરિવારના મતે તેને આર્થિક મદદ ન મળતા તે પત્ની અને દીકરીને સાસરીમાં મૂકી આવ્યો હતો અને ત્યારબાદ સતત માનસિક તણાવમાં રહેતો હતો. જાેકે, આજે તેણે પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓનાં ત્રાસથી કંટાળી અને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે.
મૃતક યુવકનું નામ વિજય લખારા છે અને તે શહેરના અડાજણ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સુખ સાગર એપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. બનાવની વિગતો મુજબ પિતા રામજી લાખારા કેન્સરની સારવાર શરૂ છે અને પિતાની કેન્સરની સારવાર માટે વિજયે ત્રણ ખાનગી કંપનીમાંથી લોન લીધી હતી. વિજય કિરણ જ્વેલર્સ નામના શો રૂમમાં નોકરી કરતો હતો. પોતાના પગારમાં ઘર ચલાવવું અને પિતાની સારવાર શક્ય ન હોવાથી તેણે કથિત રીતે ત્રણ કંપનીમાંથી લોન લીધી હોવાનું તેના પરિવારે જણાવ્યું હતું.
જાેકે, લૉકડાઉન બાદ તેની સ્થિતિ વધુ કથળી અને નોકરી પણ છુટી ગઈ હતી. દરમિયાનમાં ત્રણેય કંપનીઓ એક પછી એક નોટિસ મોકલાવતી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. આ સ્થિતિમાં વિજય દબાણમાં આવી ગયો હતો. ગુરૂવારે તે પોતાની પત્ની અને ૩ વર્ષની બાળકીને સાસરીમાં મૂકી આવ્યો હતો અને ગઈકાલે આખો દિવસ ગુમસુમ હતો.જાેકે, પિતાને કે ભાઈને આ વાતનો અણસાર ન આવ્યો કે તેમનો વ્હાલસોયો આપઘાત કરી જિંદગી ટૂંકાવી લેશે. જાેકે, આજે તેણે આત્મહત્યાનું અંતિમ પગલું ભરી લેતા આ પરિવારનો માળો વિખાઈ ગયો છે અને એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.