છેલ્લા ત્રણ વર્ષમાં માર્ગ અકસ્માતમાં ૨૧,૦૦૦થી વધુ લોકોના મોત
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં અકસ્માતના જે આકંડા રજૂ કરવામાં આવ્યા હતા તે ખરેખર ચોંકાવનારા હતા. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં માર્ગ અકસ્માતમાં ૨૧,૦૦૦થી વધુ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ૪૬,૦૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગુજરાત વિધાનસભામાં સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીના છેલ્લા ત્રણ વર્ષના માર્ગ અકસ્માતના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.
રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા વિધાનસભામાં જાહેર કરવામાં આવેલા ડેટા પ્રમાણે સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ૨૧,૫૨૯ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ૪૬,૧૪૬ લોકો ઘાયલ થયા હતા.
સુરત ગ્રામ્ય પોલીસના અધિકારક્ષેત્રમાં સૌથી વધારે ૧,૨૫૭ લોકોના મોત નીપજ્યા છે જ્યારે અમદાવાદ શહેરમાં ૧,૦૭૫ સાથે બીજા ક્રમે છે. વલસાડમાં ૯૯૮, બનાસકાંઠામાં ૯૭૧, વડોદરા ગ્રામ્યમાં ૯૪૭, અમદાવાદ ગ્રામ્યમાં ૯૨૩, ભરૂચ જિલ્લામાં ૯૧૭ અને સુરત શહેરમાં ૮૦૮ મોત નોંધાયા હતા.
ખેડા જિલ્લામાં સૌથી વધારે ૨,૩૪૯ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે સુરત શહેરમાં ૨,૧૭૫, ભરૂચમાં ૧,૮૦૧, ગાંધીનગરમાં ૧,૭૯૪, ગોધરામાં ૧,૭૨૬ અને વડોદરા ગ્રામ્યમાં ૧,૭૨૨ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.