વરુણ સાથે કામ કરી ચૂકેલી સુચિસ્મિતાની હાલત ખરાબ
મુંબઈ: કોરોના મહામારીના કારણે લાગુ કરાયેલા લોકડાઉને લોકોની જિંદગી ધરમૂળથી બદલી નાખી છે. કલ્પના પણ ના કરી શકીએ એવી વેદના લોકોએ કોરોના અને લોકડાઉનના કારણે વેઠી છે. કરોડો લોકોનો રોજગાર છીનવાઈ ગયો અને લાખો લોકો સ્વજનોથી દૂર રહેવા મજબૂર બન્યા. રૂપિયાની તંગીએ દેવામાં ઉમેરો કર્યો તો ક્યાંક વેપાર-ધંધા બંધ થઈ જતાં જાણે દુનિયાનો જ અંત આવી ગયો. લોકડાઉન દરમિયાન મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં પણ કામ ઠપ થયું હતું. મોટા સેલિબ્રિટીઝ તો પોતાના સેવિંગ્સ પર ટકી ગયા પરંતુ કેમેરામેન, ટેક્નિકલ વર્કર્સ, જૂનિયર આર્ટિસ્ટ માટે બે છેડા ભેગા કરવા મુશ્કેલ થઈ પડ્યા. સુચિસ્મિતા રાઉત્રે પણ આ પરિસ્થિતિનો સામનો કરી રહી છે.
૬ વર્ષ સુધી આસિસ્ટન્ટ કેમેરા પર્સન તરીકે કામ કરવાની સુચિસ્મિતા આજે મોમોઝ વેચીને ગુજરાન ચલાવી રહી છે. અમિતાભ બચ્ચન, વરુણ ધવન, રણબીર કપૂર, સુશાંત સિંહ રાજપૂત, અભિષેક બચ્ચન જેવા મોટા કલાકારો સાથે સુચિસ્મિતાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ જિંદગીએ એવું પડખું ફેરવ્યું કે મુંબઈથી કટક પોતાના ઘરે જવાના ફાંફાં પડી ગયા હતા. એ વખતે સલમાન ખાન અને અમિતાભ બચ્ચને જૂનિયર આર્ટિસ્ટને મદદ કરી હતી ત્યારે થોડા રૂપિયા સુચિસ્મિતાને પણ મળતાં તે ઘરે પહોંચી શકી.
પોતાની મા પાસે કટક આવ્યા પછી સુચિસ્મિતા ગુજરાન ચલાવવા માટે રોજ સાંજે મોમોઝ વેચે છે. સુચિસ્મિતા આંખમાં મોટા મોટા સપનાં સાથે ઓડિશાથી મુંબઈ ગઈ હતી. પરંતુ દુર્ભાગ્ય જુઓ કે કેમેરા પાછળ રહીને ફિલ્મની ચમકદમકવાળી દુનિયા જાેનારી સુચિસ્મિતા હવે રોજ ૩૦૦-૪૦૦ રૂપિયા કમાવવા માટે તનતોડ મહેનત કરે છે.
સુચિસ્મિતાના ઘરમાં તેની મા સિવાય કોઈ નથી. કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ સુચિસ્મિતા ઓડિયા સાઈન ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી. બાદમાં પોતાના સપના સાકાર કરવા માટે તે મુંબઈ શહેરમાં આવી ગઈ. ૨૦૧૫માં મુંબઈ આવેલી સુચિસ્મિતાને ઓળખાણ વધતાં ધીમે-ધીમે બોલિવુડમાં કામ મળવા લાગ્યું હતું. તે આસિસ્ટન્ટ કેમેરા પર્સન બની ગઈ હતી.