PM મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પર મમતા બેનર્જી ભડક્યા
કોલકત્તા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના બાંગ્લાદેશ પ્રવાસનો શનિવારે બીજાે દિવસ છે. પીએમ મોદીએ ત્યાં ઓરકાંડીમાં મતુઆ સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ અને વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલા પણ હાજર હતા. પશ્ચિમ બંગાળમાં મતુઆ સમુદાયની આશરે ૩૦થી ૪૦ વિધાનસભા સીટો પર અસર જાેવા મળી છે.
ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ખગડપુરમાં કહ્યું- અહીં ચૂંટણી થઈ રહી છે અને તે (પીએમ) બાંગ્લાદેશ ગયા છે અને બંગાળ પર વ્યાખ્યાન આપી રહ્યાં છે. આ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે.
પીએમ મોદીએ કહ્યુ, ‘હું ઘણા વર્ષોથી ઓરાકાંડી આવવાની રાહ જાેઈ રહ્યો હતો અને જ્યારે હું ૨૦૧૫માં બાંગ્લાદેશ આવ્યો હતો તો મેં ઓરાકાંડી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હું આજે તેવો અનુભવ કરી રહ્યો છે, જે ભારતમાં રહેતા મતુઆ સંપ્રદાયના મારા હજારો-લાખો ભાઈ-બહેન ઓરાકાંડી આવી અનુભવે છે.’
બન્ને દેશોના સંબંધો પર પીએમ મોદીએ કહ્યુ- ભારત અને બાંગ્લાદેશ બન્ને દેશ પોતાના વિકાસથી, પોતાની પ્રગતિથી વિશ્વની પ્રગતિ જાેવા ઈચ્છે છે. બન્ને દેશ દુનિયામાં અસ્થિરતા, આતંક અને અશાંતિના સ્થાને સ્થિરતા, પ્રેમ અને શાંતિ ઈચ્છે છે.
પીએમ મોદીએ આગળ કહ્યુ, શ્રી શ્રી હોરિચાન્દ દેવજીની શિક્ષાઓને જન-જન સુધી પહોંચાડવામાં, દલિત-પીડિત સમાજને એક કરવામાં ખુબ મોટી ભૂમિકા તેમના ઉત્તરાધિકારી શ્રી શ્રી ગુરૂચોન્દ ઠાકુરજીની પણ છે. શ્રી શ્રી ગુરૂચોન્દ જીએ આપણે, ભક્તિ, ક્રિયા અને જ્ઞાનનું સૂત્ર આપ્યુ હતું. ગુલામાના તે સમયમાં પણ હોરિચાન્દ ઠાકુરજીએ સમાજને તે જણાવ્યુ હતુ કે આપણી વાસ્તવિક પ્રગતિનો માર્ગ શું છે. આજે ભારત હોય કે બાંગ્લાદેશ સામાજીક એકતા, સમરસતાના તે મંત્રોથી વિકાસના નવા આયામો સર કરી રહ્યાં છે.