મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ થતા વલસાડનું તંત્ર સતર્ક બન્યું

વલસાડ: સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આથી વલસાડ જિલ્લાનું તંત્ર અને આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે હર સંભવ તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાેકે, વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ સહિત મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસ તેજ ગતિએ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં જે રીતે ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર વિશેષ સતર્ક થઇ ગયું છે. જેના ભાગ રૂપે પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને દમણ અને દાદરા નગર હવેલીથી વલસાડ જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તારોમાં રોજીરોટી માટે આવતા કામદારો કે કંપનીઓના કર્મચારીઓ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.
વલસાડ જિલ્લા કલેકટરે આદેશ જાહેર કર્યો છે અને વલસાડ જિલ્લાની વાપી, સરીગાામ, ઉમરગામ સહિત જિલ્લાની તમામ જીઆઇડીસીની કંપનીઓમાં કોરોનાથી વધુ પ્રભાવિત એવા મહારાષ્ટ્ર અને પડોશી સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીથી આ કંપનીઓમાં આવતા કામદારોના મેડિકલ તપાસ અને કોરોના ટેસ્ટ કરાવવા માટે તાકીદ કરવામાં આવી છે. સાથે જ પડોશી મહારાષ્ટ્ર દમણ અને દાદરા નગર હવેલીમાંથી આ કંપનીઓમાં આવતા બહારના કામદારોની વિગતો વલસાડ જિલ્લા તંત્ર દ્વારા નીમેલ નોડલ અધિકારીને પહોંચાડવા માટે તાકીદ કરવામાં આવી છે.
સાથે જ જિલ્લાના વાપી ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન સહિત જિલ્લાના અન્ય ઔદ્યોગિક સંગઠનોને પણ જિલ્લા વહીવટીતંત્રએ જાણ કરી કંપનીઓમાં કોવિડ ૧૯ની ગાઈડલાઈન ચુસ્ત રીતે કડાકાઈ પૂર્વક પાલન કરવા માટે પણ તંત્રએ કંપનીને તાકિદ કરી છે. વધુમાં જિલ્લાની કંપનીઓમાં ગાઈડલાઈનનું પાલન થાય છે કે કેમ ??? તેના પર નજર રાખવા માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.
નિયમોનો ભંગ કરતી કંપનીઓ અને નિયમોનો ચુસ્ત અમલ નહીં કરતી કંપનીઓ વિરોધ કડક કાર્યવાહીની પણ જિલ્લા કલેક્ટરે ચીમકી ઉચ્ચારી છે. આમ હવે મહારાષ્ટ્ર અને પડોશી સંંઘ પ્રદેશોમાં પણ કોરોનાના કેસ વધતા આ પ્રદેશોમાંથી આવતાં ઔધોગિક કામદારો અને કર્મચારીઓ પર પણ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ વિશેષ નજર રાખી રહ્યું છે.