નરેન્દ્ર મોદીએ પહેલા જેશોરેશ્વરી કાલી મંદિર પહોંચીને પૂજા-અર્ચના કરી હતી
ઢાકા: વડાપ્રધાન મોદી બે દિવસના પ્રવાસે શુક્રવારે પાડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશ પહોંચ્યા હતાં. આજે તેમના પ્રવાસનો બીજાે દિવસ હતો. પીએમ મોદીએ શનિવારે સૌથી પહેલા જેશોરેશ્વરી કાલી મંદિર પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. ઉલ્લેખનીય છે કે જેશોરેશ્વરી કાલી મંદિરને ૫૧ શક્તિપીઠમાંથી એક માનવામાં આવે છે. આ જગ્યાએ પીએમ મોદીએ મીડિયાને સંબોધન કરતા મંદિર ખાતે એક કોમ્યુનિટી હૉલ બનાવાની જાહેરાત કરી હતી. કાલી મંદિર બાદ પીએમ મોદી બંગબંધુ મુજીબુર રહમાનના સમાધી સ્થળે પહોંચ્યા હતા. રહમાન બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા અને બાદમાં દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫ના તેમની હત્યા કરી દેવામાં આવી હતી. તેમને બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા કહેવામાં આવે છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “મેં મંદિરમાં પ્રાર્થના કરી છે. માતા કાલી દુનિયાને કોરોના સંક્ટમાંથી મુક્તિ અપાવે. મેં સાભળ્યું છે કે નવરાત્રી દરમિયાન અહીં સરહદ પારથી લોકો આવે છે. મને અહીં એક ઇમરજન્સી હોલની જરૂરિયાત લાગી રહી છે. આ હોલ કોઈ આપદાની સ્થિતિમાં પણ કામ આવી શકે છે. ભારત સરકાર તરફથી આ હોલનું નિર્માણ થશે.”
વડાપ્રધાન મોદીએ તુંગીપારામાં બંગબંધુ શેખ મુજીબુર રહમાનની સમાધિ પરિસર ખાતે પૌધારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના પણ હાજર હતા. પીએમ પહેલા એવા વડાપ્રધાન છે જેમણે આ સ્થળની મુલાકાત લીધી છે.