લોકઅપમાં વીડિયો બનાવી વાયરલ કરનાર શખ્સ ઝબ્બે
રાજકોટ: તાજેતરમાં જ રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ મથકના લોકઅપમાંનો વીડિયો વાયરલ થયો હતો. સમગ્ર મામલે ગણતરીની જ કલાકોમાં પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે કે રાહિલ ઉર્ફે રાઈલો રહીમભાઈ સુધાગુણીયા નામના આરોપીનો કબજાે ટ્રાન્સફર વોરંટના આધારે મેળવવામાં આવશે. વાતચીતમાં પ્રદ્યુમન નગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એલએલ ચાવડાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર લોકઅપમાં રહેલા આરોપીનો વીડિયો બનાવી વાયરલ કરનાર શખ્સો વિરુદ્ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૮ની કલમ ૭૨(અ), ૮૪(બિ)(સી) તથા જી પી એક્ટની કલમ ૧૨૦ તથા આઈપીસીની કલમ ૧૧૪ મુજબ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં વીડિયો બનાવનાર તેમજ અપલોડ કરનાર આફતાબ ઉર્ફે નિઝામ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપી રાહિલનો કબજાે ટ્રાન્સફર વોરંટના આધારે મેળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે પ્રદ્યુમન નગર પોલીસ મથક વિસ્તારમાં મિત્ર દ્વારા જ મિત્રની લૂંટનું કાવતરું રચવામાં આવ્યું હતું. જે ગુનામાં આરોપી તરીકે રાહિલનું નામ પણ ખૂલતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારે લૂંટના ગુનામાં લોકપ માં રહેલા રાહિલનો વીડિયો કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે છૂપી રીતે ઉતાર્યો હતો. ત્યારબાદ વોટ્સએપના માધ્યમથી તે વીડિયો આફતાબ ઉર્ફે નિઝામને મોકલી આપ્યો હતો. વીડિયો મળ્યા બાદ આફતાબ ઉર્ફેની સામે તે વીડિયોને ફેસબુકમાં અપલોડ કરી વાયરલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જે વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો તે વીડિયોમાં શૂટ આઉટ એટ લોખંડવાલા ફિલ્મનો ડાયલોગ બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે મૂકવામાં આવ્યો હતો. જે ડાયલોગના શબ્દો હતા પુલીસ આયેંગા તો બત્તી લગાકે બોલના માયા ભાઈ આયા થા.