૨ સગીર સહિત ૮ના લોકોના ડૂબી જવાથી મોત, ૨ લાપતા
અમદાવાદ: રાજ્યભરમાં કોરોના મહામારી વચ્ચે પણ રંગોના તહેવાર હોળી-ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. એક તરફ રાજ્યમાં જ્યાં હર્ષોલ્લાસનો માહોલ હતો ત્યાં બીજી તરફ છ સ્થળોએ ધુળેટીમાં ગમગીનીના રંગ ભળ્યા હતા. સોમવારે ધુળેટીના દિવસે ભાવનગર, સુરત, રાજકોટ, વલસાડ, દાહોદ અને ભરૂચ જિલ્લામાં નદી અને દરિયામાં ડૂબી જવાની ૬ ઘટનાઓ બની હતી. જેમાંથી ૨ સગીર સહિત ૮ના મોત નીપજ્યાં છે. જ્યારે વલસાડમાં ૨ તરૂણોની હજી સુધી ભાળ મળી નથી.
ભાવનગર જિલ્લાના કોળિયાકના દરિયામાં ધુળેટીના તહેવાર ને લઈ લોકો દરિયાકિનારે નાહવા ઉમટી પડ્યા હતા જેમાંથી ત્રણ યુવાનો નાહવા ડૂબવા લાગ્યા હતા ૨ યુવાનો ડૂબી જતાં મોત નિપજ્યા હતા અને એક ને ગંભીર હાલતે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખેસડવામાં આવ્યો હતો.પ્રાપ્ત થતી માહિતી મુજબ ધૂળેટીના તહેવાર નિમિત્તે આ યુવાનો કોળીયાક નિષ્કલંક મહાદેવના દરિયામાં નાહવા માટે ગયા હતા તે સમયે દરિયાના પાણીમાં ગરકાવ થઇ જતા પંકજભાઈ સરવૈયા ઉંમર વર્ષ,૨૫ રાકેશભાઈ ઉંમર ૨૬ નામના યુવાનનો દરિયાની વળતી ઓટમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે, જ્યારે સાથે રહેલ અન્ય એક યુવાનનું સ્થાનિક તરવૈયાઓ દ્વારા રેસ્ક્યુ કરી આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે.
સુરતના ચલથાણની ૫ વીઘા સરકારી જમીન પર નવા બનાવાયેલા તળાવમાં ધુળેટીના દિવસે નાહવા પડેલા બાજુના ગામના ૨ પરપ્રાંતીય સગીરો ડૂબી ગયા હતા. ત્યાર બાદ સત્યમ માલી અને સૌરભ રોય નામના બન્ને સગીરનાં મોત થયાં હતાં. ફાયર કોલ બાદ મોડે મોડે એક કલાક બાદ પહોંચેલી ફાયરબ્રિગેડે બન્ને સગીરની બે કલાકની જહેમત બાદ લાશ બહાર કાઢી હતી. ત્યાર બાદ બન્ને સગીરના મૃતદેહને ચલથાણની ખાનગી હોસ્પિટલમાં કોલ્ડસ્ટોરેજના રાખવામાં આવ્યા હતા.
રાજકોટના ત્રંબામાં સોમવારે બપોરે ચાર વાગ્યાની આસપાસ સાત યુવાનો ધૂળેટી રમ્યા બાદ નદીમાં નાહવા પડ્યા હતા. જેમાંથી બે યુવાનોના ડૂબી ગયા હતા. તેમને ડૂબતા જાેઈ અન્ય મિત્રોએ આસપાસના ગ્રામજનોની મદદ માંગીને બચાવવા પ્રયાસ કર્યો હતો. પણ ગ્રામજનો મદદે આવે ત્યાં સુધીમાં નદીમાં ડૂબી જવાથી બન્ને મિત્રોના મોત થયા હતા. સ્થાનિકોની મદદથી બન્ને યુવાનના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં એક યુવાનનું નામ કમલેશ પ્રજાપતિ અને બીજા યુવાનનું નામ અર્જુન લક્ષ્મણભાઈ ભુવા છે. બન્ને આજી ડેમ ચોકડી પાસે આવેલા રામ પાર્કના રહેવાસી છે.
વાપીની દમણગંગા નદીમાં પાંચ જેટલા સ્થાનિક તરુણો ધૂળેટી પર્વના દિવસે નદીમાં નાહવા આવ્યા હતા. નદીમાં કેટલાક અન્ય સ્થાનિક લોકો પણ નદીમાં સ્થાન કરી રહ્યા હતા. અચાનક નાહવા આવેલા પાંચ સ્થાનિક તરુણો ડૂબવા લાગ્યા હતા. તેથી નદીમાં સ્થાન કરી રહેલા પાંચ તરુણોને ડૂબતા જાેઈને સ્થાનિક લોકોએ પાંચ પૈકી ત્રણ તરુણોને સમયસૂચકતા વાપરીને બચાવ્યા હતા. તથા ડૂબેલ બે તરુણોને બચાવવા સ્થાનિક લોકોએ વાપી જીઆઇડીસી ફાયર ફાઇટર અને વાપીની રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી. તેથી તાત્કાલિક વાપી ફાયર ફાઈટરની ટીમ અને વાપી રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચી ડૂબેલ બંને તરુણોને શોધખોળ કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે.
દાહોદ શહેરમાં ધૂળેટીના દિવસે એક તરફ લોકોમાં ઉત્સાહ છવાયેલો હતો. બીજી તરફ શહેરના ઈન્દોર હાઈવે નજીક એક કુવામાં ત્રણ યુવકો ડૂબી ગયા હોવાની અફવા ફેલાઈ હતી. જેથી પોલીસ અને ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા. જેમાં કુવામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. તેની ઓળખ થતા મૃતક શહેરના ગારખાયા વિસ્તારમાં રહેતો ૧૯ વર્ષિય ધીરજ ચાવડા હોવાનુ ખૂલ્યુ હતુ.
ઝઘડીયાથી કબીરવડ જવાના રસ્તે આવતી નર્મદા નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નિપજયું હતું. ડૂબી જનાર યુવાન ઝઘડિયાના રાણીપુરા ગામનો ૨૨ વર્ષીય દર્પણ પટેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવાન તેના મિત્રો સાથે નર્મદા નદીમાં નહાવા ગયો હતો. જે વેળા એકાએક નદીના પાણીમાં તે તણાવા લાગ્યો હતો. અને જાેતજાેતામાં તે ડૂબી ગયો હતો. ઘટના બની નર્મદા નદી કિનારે લોકોનો મેળાવડો જામ્યો હતો.