પત્ની પર રંગ નાખવાની ના પાડનારા પતિની ક્રૂર હત્યા
વારાણસી: રંગોનો તહેવાર હોળી પર લોકો રંગોમાં ભીંજાય છે. તેઓ એકબીજાને રંગ લગાવે છે. પરંતુ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ખુનની હોળી રમવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે અહીં હોળીની ઉજવણી દરમિયાન કેટલાક લોકોએ એક શખ્સને એટલો માર્યો કે તેનું મોત થઈ ગયું, જ્યારે અન્ય ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક પતિએ તેની પત્નીના ગાલ પર રંગ લગાડવાની ના પાડી હતી.
ઘટના વારાણસીના ચૌબપુર વિસ્તારના બરાઇ ગામની છે. લોકોએ જણાવ્યું કે ગામમાં હોળીની ઉજવણી ચાલી રહી છે. અહીં રહેતા રાજુ રાજભર (૩૫)ની પત્નીને કેટલાક લોકોએ બળજબરીથી ગુલાલ અને રંગ લગાવી દીધો. આ જાેઈ પતિ રાજુ જાેરદાર ગુસ્સે થઈ ગયો અને વિરોધ કરવા લાગ્યો હતો.
ત્યારબાદ રાજુ અને બીજા ગ્રુપ વચ્ચે બબાલ થઈ હતી, જાેકે થોડા સમય પછી ઝઘડો શાંત પડ્યો અને બંને પક્ષો પોતપોતાના ઘરે ગયા હતા. થોડા સમય પછી બીજા પક્ષના આશરે ૨૦થી ૨૫ લોકો સાથે પરત ફર્યો અને રાજુના ઘરની બહાર આવ્યા અને ગાળો બોલવા લાગ્યા.
રાજુ ઘરથી બહાર આવ્યો અને વિરોધ કરવા લાગ્યો. રાજુની સાથે તેના પરિવારના અન્ય સભ્યો પણ બહાર આવ્યા હતા. જાેત જાેતામાં ત્યાં ધસી આવેલા ૨૦-૨૫ લોકો ત્યાં રાજુ ઉપર લાકડી-ડંડો લઈને તૂટી પડ્યા. જ્યારે તેના પરિવારજનોએ બચાવવા માટે વચ્ચે પડ્યા તો તેમને પણ ઢોર માર માર્યો હતો.
આ દરમિયાન રાજુના બે નાના પુત્રો અને પુત્રીઓએ પિતાને બચાવવા બૂમ પાડી હતી પણ કોઈ આવ્યું ન હતું. રાજુને ગંભીર ઈજા પહોંચાડ્યા બાદ આરોપી ત્યાંથી છટકી ગયા હતા.