વસ્ત્રાપુરમાં જુની અદાવતમાં બે કુટુંબો હથિયારો લઈ એકબીજા પર તુટી પડ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા બે પરીવારો વચ્ચે લાંબા સમયથી ચાલતા મનદુખને પગલે બબાલ થઈ હતી જેને કારણે બંને પરીવારો સામસામે આવી જતાં હથિયારો સાથે એકબીજા ઉપર તુટી પડ્યાં હતા જેમાં કેટલાકને ગંભીર જયારે અન્યોને નાની મોટી ઈજાઓ થતાં હોસ્પીટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી.
બોડકદેવ ખાતે આવેલી વામ્બે વસાહતમાં કાળુભાઈ મકવાણા તથા તેમના ભાઈ વિરમચંદભાઈ પરીવાર સાથે રહેતા હતા તેમની બાજુમાં જ કૌટુંબિક ભાઈ તખાભાઈ મોતીભાઈ મકવાણા પણ રહેતા હતા જાેકે બંને કુટુંબો સંબંધી હોવા છતાં વારંવાર તેમની વચ્ચે ઝઘડા થતા હતા.
જેના પગલે તખાભાઈ પરીવાર સાથે સિંધૂભવન રોડ ખાતે રહેવા જતા રહયા હતા બાદમાં તખાભાઈના પુત્ર સંજયે વિરચંદભાઈના નાના ભાઈ રમેશભાઈની પુત્રી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જાેકે સંબંધીઓ હોઈ બંને સમાજના આગેવાનો દ્વારા વાતચીત કરી રમેશભાઈની પુત્રીને તેના ઘરે મોકલી દીધી હતી આ બાબતે અવારનવાર તેમની વચ્ચે મનદુખ ચાલુ હતું.
દરમિયાન ધુળેટીના દિવસે વિરચંદભાઈનો પુત્ર દશરથ અને સંજય જીએમડીસી ગ્રાઉન્ડ નજીક સામસામે આવતા ઝઘડયા હતા આ ઘટનાની જાણ થયા બાદ સંજયના પિતા તખાભાઈ અન્ય લોકોને પોતાની ગાડીમાં વામ્બે આવાસ ખાતે લઈ ગયા હતા જયાં વિરચંદભાઈ અને તેમના પુત્રો સાથે બબાલ કરતાં બંને કુટુંબોએ એકબીજા ઉપર પાઈપો, લાકડી તથા ધારીયા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો જેથી આસપાસના રહીશો ગભરાઈ ગયા હતા.
આ ઘટના બાદ વિરચંદભાઈનો પુત્ર કમલેશ તથા તખાભાઈને માથામાં ધારીયા વાગતા હોસ્પીટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી જયારે અન્ય લોકોને પણ નાની મોટી ગંભીર ઈજાઓ પહોચી હતી. વસ્ત્રાપુર પોલીસે બંને કુટુંબોની સામસામે ફરીયાદ લઈ તપાસ શરૂ કરી છે.