બંગાળ ચૂંટણીઃ મમતાએ ગિરિરાજને શાંડિલ્ય કહ્યાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/mamta-benge-scaled.jpg)
હારના ડરથી ગોત્ર કાર્ડ રમી રહ્યાં છે મમતા- ગિરિરાજ-નંદીગ્રામમાં પહેલી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે
નવી દિલ્હી, પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં સીએમ મમતા બેનરજીએ પોતાના ગોત્રનો ઉલ્લેખ કરતા આ મામલે ભાષણબાજી શરૂ થઈ ગઈ છે. હકીકતમાં મમતા બેનરજી નંદીગ્રામમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે એક ચૂંટણી સભા સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન મમતાએ કહ્યું હતું કે, “મેં મંદિરનો પ્રવાસ કર્યો.
અહીં પૂજારીઓ મારું ગોત્ર પૂછ્યું. મેં કહ્યું મા, માટી અને મનુષ્ય. આ મને મારી ત્રિપુરાના ત્રિપુરેશ્વરી મંદિરની યાદ અપાવે છે. અહીં પૂજારીએ પૂછતા મેં મારું ગોત્ર મા, માટી અને મનુષ્ય કહ્યું હતું. હકીકતમાં હું શાંડિલ્ય છું.” મમતા બેનરજીના આ નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યુ કે, મમતા બેનરજી તમે જણાવી દો કે, ક્યાંક ઘૂસણખોરો અને રોહિંગ્યાનું ગોત્ર તો શાંડિલ્ય નથી ને? મારે તો ક્યારેય ગોત્ર જણાવવાની જરૂર નથી પડી. હું તો લખું છું.
મમતા બેનરજી ચૂંટણીમાં હારના ડરથી ગોત્ર બતાવી રહી છે. તેમની હાર નિશ્ચિત છે. કેન્દ્રીય મંત્રીએ આ મુદ્દે બે ટ્વીટ પણ કર્યા છે. જેમાં લખ્યું છે કે, “મત માટે રોહિંગ્યાને વસાવનારા, દુર્ગા અને કાલી પૂજા રોકનારા, હિન્દુઓનું અપમાન કરનારા હવે હારના ડરથી ગોત્ર પર ઉતરી આવ્યા છે. શાંડિલ્ય ગોત્ર સનાતન અને રાષ્ટ્ર માટે સમર્પિત છે, મત માટે નહીં. મમતા દીદી, હવે તો શોધવું પડશે કે શું ઘૂસણખોરો અને રોહિંગ્યાનું ગોત્ર પણ શાંડિલ્ય નથી ને?”
આ પહેલા નંદીગ્રામ વિધાનસભા વિસ્તારના ઉમેદવાર મમતા બેનરજીએ મંગળવારે આરોપ લગાવ્યો કે, ભારતીય જનતા પાર્ટીના ગુંડા મતદાન ક્ષેત્રના બલરામપુર ગામમાંથી સ્થાનિક લોકોને ભગાડી રહી છે. આ મામલે તેમણે ચૂંટણી પંચને ધ્યાન આપવાની વિનંતી કરી છે. મમતાએ દાવો કર્યો કે સ્થાનિક લોકોને ભયભીત કરવા માટે ભાજપા બીજા રાજ્યોમાંથી ગુંડાઓ લાવી છે.
મમતાએ કહ્યું કે, ફક્ત જુઓ કે અહીં શું થઈ રહ્યું છે. ભાજપાના ગુંડાઓ બલરામપુર ગામમાંથી ગામના લોકોને બહાર કાઢી રહ્યાં છે. ચૂંટણી પંચે ગામના લોકોની સુરક્ષા કાયમ કરવી જાેઈએ. ચૂંટણી પંચે તેમને સુરક્ષા પુરી પાડવી જાેઈએ. મમતાએ કથિત રીતે બહાર કરવામાં આવેલા લોકોના પરિવારોને સાંત્વના આપી હતી. મમતા બેનરજી જ્યારે તે ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.