ગુજરાત ઊર્જા વિકાસ માટે ટાટા પાવર 60 મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલર પ્રોજેક્ટ વિકસાવશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/06/tata-solar-panel.jpg)
ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપની ટાટા પાવરે જાહેરાત કરી હતી કે, કંપનીને ગુજરાત રાજ્યમાં 60 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ વિકસાવવા માટે 26 માર્ચ, 2021ના રોજ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ) પાસેથી લેટર ઑફ એવોર્ડ મળ્યો છે.
આ પ્રોજેક્ટ જે તારીખે કાર્યરત થાય એ તારીખથી 25 વર્ષના ગાળા માટે માન્ય વીજ ખરીદી સમજૂતી (પીપીએ) અંતર્ગત વીજળીનો પુરવઠો જીયુવીએનએલને પ્રદાન કરવામાં આવશે. કંપનીએ જાન્યુઆરી, 2021માં જીયુવીએનએલ દ્વારા જાહેર થયેલી બિડમાં આ કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. આ પ્રોજેક્ટ પીપીએના અમલીકરણની તારીખથી 18 મહિનાની અંદર કાર્યરત કરવો પડશે.
આ સફળતા પર ટાટા પાવરના એમડી અને સીઇઓ ડો. પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, “અમને ગુજરાતમાં 600 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ મળવાની જાહેરાત કરતા ગર્વ થાય છે અને અમે ગુજરાત સરકાર અને જીયુવીએનએલના અધિકારીઓનો આ તક આપવા બદલ આભાર માનીએ છીએ. આ કોન્ટ્રાક્ટ સાથે ગુજરાતમાં કુલ નિર્માણાધિન ક્ષમતા 580 મેગાવોટ થશે. અમને આપણા દેશની સોલર પાવર જનરેશન દ્વારા સ્વચ્છ અને ગ્રીન ઊર્જા માટેની કટિબદ્ધતાને સાકાર કરવામાં પ્રદાન કરવાની ખુશી છે.”
પ્લાન્ટ દર વર્ષે આશરે 156 MUs વીજળીનો પુરવઠો પેદા કરશે એવી અપેક્ષા છે અને દર વર્ષે અંદાજે 156 મિલિયન CO2 (કાર્બન ડાયોકસાઇડ)ને ઓફસેટ કરશે.
ટાટા પાવરની રિન્યૂએબલ વીજળીની ક્ષમતા વધીને 4,007 મેગાવોટ થશે, જેમાંથી 2,687 મેગાવોટ કાર્યરત છે અને 1,320 મેગાવોટની ક્ષમતા અમલીકરણ હેઠળ છે, જેમાં આ પીપીએ અંતર્ગત પ્રાપ્ત 60 મેગાવોટની ક્ષમતા સામેલ છે.