અરવલ્લી LCBએ મોપેડમાં દારૂની ખેપ મારતા બુટલેગરને ઝડપ્યો

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા, હોળી-ધુળેટીના પર્વમાં વિદેશી દારૂની ખપત વધુ રહેતી હોવાથી તહેવારોમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નશીલ બન્યા છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર સઘન ચેકીંગ અને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ કરી બુટલેગરોમાં કીમિયા પર પાણી ફેરવી રહી છે
ભિલોડા પોલીસે ત્રણ મોપેડ પર દારૂની ખેપને નિષ્ફળ બનાવ્યા પછી એલસીબી પોલીસે ટીંટોઈ નજીક મોપેડ પર વિદેશી દારૂ ભરી ઘાંટા વસવાટનો પીન્ટુ નામના બુટલેગરને દબોચી લઈ ૪૯ બોટલ દારૂ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો પિન્ટુ વિદેશી દારૂનો જથ્થો તલોદના બુટલેગરને પહોંચાડવાનો હોવાનું જણાવતા પોલીસે તલોદના બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
અરવલ્લી એલસીબી પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે જ્યુપિટર મોપેડ પર વિદેશી દારૂ ભરી બુટલેગર ટીંટોઈ નજીકથી પસાર થવાનો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાબડતોડ ટીંટોઈ રોડ પર પહોંચી નાકાબંધી કરી વોચ ગોઠવી હતી
બાતમી આધારીત જ્યુપીટર આવતા તેને અટકાવી તલાસી લેતા જ્યુપિટરમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ અને ક્વાંટરીયા નંગ-૪૯ કીં.રૂ.૧૮૫૦૦/- નો જથ્થો જપ્ત કરી જ્યુપિટર પર દારૂની ખેપ મારી રહેલા ઘાંટા વસવાટના પિન્ટુ સુકાભાઈ ભગોરાને દબોચી લઇ વિદેશી દારૂ,જ્યુપિટર અને મોબાઈલ મળી કુલ.રૂ.૫૯૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી વનરાજ નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પિન્ટુ બુટલેગર મોપેડમાં દારૂ ભરી તલોદના બુટલેગરને ડીલેવરી આપવા નીકળ્યો હોવાની માહીતી પ્રાપ્ત થઇ હતી.*