લોસ એન્જલસમાં ફાયરિંગમાં બાળક સહિત ૪નાં મોત

Files Photo
લોસએન્જલસ, અમેરિકામાં ફરી એક વખત ગોળીબારની ઘટના નોંધાઈ છે. કેલિફોર્નિયાના લોસ એન્જલસ ખાતે ગોળીબારની ઘટનામાં એક બાળક સહિત ૪ લોકોના મોત થયા છે. ગોળીબારની ઘટના બાદ પોલીસની કાર્યવાહીમાં હુમલાખોર ઘાયલ થયો છે અને લોસ એન્જલસ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે.
જાણવા મળ્યા મુજબ ગોળીબારની ઘટના બુધવારે સાંજે ઓરેન્જ ઓફિસ કોમ્પ્લેક્સમાં બની હતી. ગોળીબાર થયો તે સ્થળે નાના-નાના બિઝનેસની અનેક ઓફિસ આવેલી છે અને કયા કારણસર ગોળીબાર થયો તે હજુ સુધી સામે નથી આવ્યું. અમેરિકામાં બે સપ્તાહની અંદર ત્રીજી વખત ગોળીબારની ઘટના નોંધાઈ છે.
અગાઉ એટલાન્ટા ખાતેના એક સ્પામાં ગોળીબાર થયો હતો જેમાં એશિયાઈ મૂળની ૬ મહિલાઓ સહિત ૮ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત કોલોરાડોના સુપરમાર્કેટમાં થયેલા ગોળીબારમાં ૧૦ લોકો માર્યા ગયા હતા.