આડા સંબંધની આશંકાએ પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી
અમદાવાદ, યુવા હૈયાંમાં પ્રેમના ફણગા ફૂટ્યા તો ખરાં પરંતુ શંકાની સોયે સાથે જીવનના કોડ અધૂરા રાખ્યા. શંકા વ્યક્તિનું હસતુંરમતું જીવતર નષ્ટ કરવાની તાકાત ધરાવે છે. માહિતી પ્રમાણે, મૂળ રાજસ્થાનના શિરોહીના વડેચી ગામનો ૨૩ વર્ષીય પ્રવીણ મેઘવાલ ચાંદલોડિયામાં આવેલા અર્જુન આર્ટ જ્વેલર્સ નામની ફેક્ટરીમાં નોકરી કરતો હતો.
ફેક્ટરી સુધી પહોંચવા માટે પ્રવીણ ચાંદલોડિયાની એક ગલીમાંથી પસાર થતો હતો અને ત્યાં જ આ છોકરી પોતાના પરિવાર સાથે રહેતી હતી. ૧૬ વર્ષની આ સગીરા સાથે પ્રવીણની આંખ મળી ગઈ હતી. સગીરાના પરિવારમાં બે બહેનો છે અને તેના પિતા મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે.
બુધવારે સાંજે પિતા ઘરે આવ્યા ત્યારે મોટી દીકરીએ નાની બહેન ઘરે ના હોવાનું કહ્યું હતું. બહેનપણીના ઘરે જવાનું કહીને નીકળેલી દીકરીને પિતાએ ફોન કર્યો પરંતુ તે ઉપાડતી નહોતી. સગીરાને શોધવા માટે પરિવારજનો દોડાદોડી કરી રહ્યા હતા. ત્યારે રાત્રે ૧૦ વાગ્યાના સુમારે અડાલજ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો.
ચિંતાતુર થયેલા પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પ્રવીણ મારવાડી નામનો યુવક ત્યાં ઊભેલો હતો. જેણે સગીરાની હત્યા કરીને મૃતદેહ તળાવમાં નાખી દીધો હોવાની કબૂલાત કરી હતી. યુવકની કબૂલાત બાદ અડાલજ પોલીસે ફાયરબ્રિગેડની મદદથી છોકરીનો મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.
બુધવારે મોડી રાત્રે મૃતદેહ શોધવાનું કામ અટકી ગયા પછી ગુરુવારે ફરી શરૂ થયું હતું અને છોકરીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ યુવક સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. આરોપી પ્રવીણે પોલીસ સમક્ષ કરેલી કબૂલાત મુજબ, સગીરા અને તેના વચ્ચે દોઢ વર્ષથી પ્રેમસંબંધ હતો. જાે કે, સગીરાને અન્ય યુવક સાથે સંબંધ હોવાની આશંકાએ બંને વચ્ચે બે મહિના સુધી અબોલા રહ્યા હતા. વિખવાદ ઉકેલવા માટે બંને બુધવારે અડાલજ ડાહોર તળાવ પાસે મળ્યા હતા.