Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશને માર્ચમાં કોરોના મરણાંક છુપાવ્યો

Files Photo

તંત્ર દ્વારા ૪૩ મૃત્યુ જાહેર થયા: ફાયર વિભાગે કોરોના પ્રોટોકોલ મુજબ ૧૩૦ ડેડી બોડીનો નિકાલ કર્યો
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ શહેરમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહીનામાં કોરોનાના કેસ અને મરણની સંખ્યા નિયંત્રણમાં રહયા હતા. પરંતુ માર્ચ મહીનાની શરૂઆતથીજ કેસ અને મરણ વધી રહયા છે. માર્ચ મહીનામાં કોરોનાના નવ હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. જયારે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ૪૩ દર્દીના મૃત્યુ થયા છે. કોરોના કેસ અને મરણના આંકડા તંત્ર દ્વારા છુપાવવામાં આવી રહયા હોવાના આક્ષેપ સતત થઈ રહયા છે મ્યુનિ. ફાયર વિભાગ દ્વારા કોરોના પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ માટે લઈ જવામાં આવેલ “ડેડ બોડી”ની સંખ્યા ઘણી જ વધુ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

અમદાવાદ શહેરમાં મ્યુનિ. ચૂંટણી અને મોટેરા સ્ટેડીયમની મેચ બાદ કોરોના સંક્રમણમાં ચિંતાજનક હદે વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ કેસ માર્ચ મહીનામાં કન્ફર્મ થયા છે. મ્યુનિ. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ માર્ચ મહીનામાં કોરોનાના ૯પ૭૮ કેસ અને ૪૩ મરણ નોંધાયા હતા. પરંતુ વાસ્તવિકતા અલગ જ હોવાની ચર્ચા ચાલી રહી છે.

મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી. હોસ્પિટલમાંથી કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીની ડેડ બોડીને અંતિમવિધિ માટે ફાયર વિભાગની શબવાહિની દ્વારા લઈ જવામાં આવે છે. ફાયર વિભાગ દ્વારા ૧ માર્ચથી ૩૧ માર્ચ સુધી શહેરમાં કુલ ૧૮૦૦ ડેડબોરડીને અંતિમવિધિ માટે લઈ જવામાં આવી હતી જે પૈકી કોરોના પ્રોટોકોલ મુજબ ૧૩૦ ડેડ બોડીને અંતિમવિધિ માટે લઈ જવામાં આવી હતી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કુલ ૪૩ મરણ થયા હોવાના દાવા કરવામાં આવ્યા છે. જયારે ફાયર વિભાગ દ્વારા ૧૩૦ ડેડ બોડીના નિકાલ કરવામાં આવ્યા છે તેવી જ રીતે એપ્રિલ મહીનાના પ્રથમ બે દિવસમાં તંત્ર દ્વારા ૦૬ વ્યક્તિના મરણ જાહેર કરવામાં આવ્યા છે જેની સામે ફાયર વિભાગ દ્વારા ૩ એપ્રિલ સવારે ૧૧ વાગ્યા સુધી દસ ડેડ બોડી લઈ જવામાં આવી હતી.

અત્રે નોંધનીય છે કે ર૦ર૦માં પણ તંત્ર દ્વારા મૃત્યુના આંકડા છુપાવ્યા હોવાના આક્ષેપ થયા છે. શહેરના વિવિધ સ્મશાનગૃહોમાં કોરોના પ્રોટોકોલ મુજબ ડેડબોડીની અંતિમવિધિ કરવામાં આવી હતી તેના આંકડા જાહેર થયા બાદ પણ તંત્ર એ મરણાંક મામલે ઈન્કાર કર્યો હતો. શહેરના ર૪ સ્મશાનગૃહોમાં જુન-ર૦ર૦ સુધી ર૧પ૩ર મૃત્યુ નોધાયા હતા પૈકી આઠ સ્મશાનગૃહમાં કોરોના દર્દીઓની અંતિમવિધિ કરવામાં આવી હતી

તે પૈકી એક માત્ર વાડજ સ્મશાનગૃહ સિવાય અન્ય સાતમાં એવરેજ મરણ કરતા ત્રણથી ચાર ગણા વધુ મૃત્યુ નોંધાયા હતા. શહેરમાં મે-ર૦૧૯માં ૩૦૬૬ મરણ નોધાયા હતા જેની સામે મે-ર૦ર૦માં ૭૧ર૮ મરણ કન્ફર્મ થયા હતા હાલ પણ આ જ પધ્ધતિથી તંત્ર દ્વારા મરણના આંકડા છુપાવવામાં આવી રહયા હોવાની ચર્ચાએ વેગ પકડયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.