કાનપુરમાં નર્સે મહિલાને બે વખત કોરોનાની રસી આપી
નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ ગુરૂવારથી દેશભરમાં વેક્સિનેશન અભિયાનનો ત્રીજાે તબક્કો પણ ચાલુ થઈ ગયો છે. ત્યારે આ વાયરસની ગંભીરતા વચ્ચે પણ ભારે મોટી બેદરકારી સામે આવી છે અને તે પણ સ્વાસ્થ્ય વિભાગ તરફથી. કાનપુર ગ્રામીણ વિસ્તારમાં એક એએનએમ નર્સે મહિલાને બે વખત વેક્સિન આપી દીધી હતી.
કાનપુરના ગ્રામીણ મડૌલી પીએચસી ખાતે કોરોના વેક્સિન અપાઈ રહી છે. વેક્સિન લેવા પહોંચેલી કમલેશ દેવી નામની એક મહિલાને એક જ સાથે બે વખત વેક્સિન આપી દેવાઈ હતી. કામના સમયે ફોનમાં વ્યસ્ત એએનએમ નર્સે મહિલાને એક જ જગ્યાએ બે વખત વેક્સિન આપી દીધી હતી. બાદમાં મહિલા તેને વઢી એટલે તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. જાે કે, મહિલાના પરિવારજનોને આની જાણ થતાં જ તેમણે હંગામો મચાવી દીધો હતો.
કમલેશ દેવીના કહેવા પ્રમાણે એએનએમ ફોનમાં વાત કરવામાં ખૂબ જ મશગૂલ હતી. વેક્સિન બાદ તેઓ ત્યાં બેસી રહ્યા હતા અને તેણે તેમને જવા પણ નહોતુ કહ્યું. બાદમાં વાત કરતા કરતા તે એક વખત વેક્સિન અપાઈ ચુકી છે તે ભૂલી ગઈ અને બીજી વખત પણ વેક્સિન આપી દીધી હતી. મહિલાએ જ્યારે શું બે વખત વેક્સિન આપવામાં આવે છે તેવો સવાલ કર્યો ત્યારે નર્સને પોતાની ભૂલની જાણ થઈ હતી. પરંતુ તેણે સામે ગુસ્સો કરીને તમે વેક્સિન લગાવાયા બાદ જતા કેમ ન રહ્યા તેમ કહી ઝગડો કર્યો હતો.
કમલેશ દેવીના કહેવા પ્રમાણે તેઓ સ્વસ્થ છે પરંતુ તેમને વેક્સિન લીધી તે જગ્યાએ સોજાે આવી ગયો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીએમએ તપાસના આદેશ આપ્યા છે.