ભરૂચ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે આગવી વ્યવસ્થા
પ્લાસ્ટિકનો કચરો વિણનારને મળશે રોજગારી: પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે ઈપીઆર એજન્સીની નિમણુંક કરાઈ : જે પ્લાસ્ટિક કચરો વિણનાર પાસેથી ખરીદશે પ્લાસ્ટિક વેસ્ટ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, વર્તમાન સમયમાં પ્લાસ્ટિકનો વપરાશ માનવીના જીવન સાથે વણાઈ ગયો છે.પરંતુ આ જ પ્લાસ્ટિક જનજીવન અને પર્યાવરણ માટે ખતરારૂપ બન્યું છે. પ્લાસ્ટિક વેસ્ટ દુનિયાની ચિંતાનું કારણ બન્યો છે. તેનાથી જળ અને જમીન સાથે વાતાવરણ પણ પ્રદુષિત થાય છે.વર્ષો સુધી જમીન અને પાણીમાં પડ્યો રહેતો પ્લાસ્ટિક વેસ્ટઓ નિકાલ વિશ્વ માટે પડકાર રૂપ બન્યો છે.
ત્યારે ભરૂચ નગરપાલિકાએ પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટે આગવો અભિગમ અપનાવ્યો છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ ૨૦૧૬ અંતર્ગત ભરૂચ નગર પાલિકાએ પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટે આગવી વ્યવસ્થા ઉભી કરી છે.જેમાં પદ્ધતિસર પ્લાસ્ટિક કચરાના નિકાલ ઉપરાંત પ્લાસ્ટિક વિણનારા લોકો રેગ પીકર્સ ને પણ સારી આજીવિકા મળશે. ભરૂચ નગરપાલિકાએ દ્વારા યોજના માટે એક ઈપીઆર એક્સ્ટેન્ડેડ પ્રોડ્યૂસર રિસ્પોન્સબિલિટી એજન્સી નક્કી કરવામાં આવી છે.આ ઉપરાંત ભરૂચના ૧૦૦ જેટલા કચરો વિણનારાની નોંધણી કરવામાં આવી છે.
જે દિવસ દરમ્યાન શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો વિણશે અને આ કચરો ઈપીઆર એજન્સી રેગ પિકર્સ પાસેથી બજાર ભાવે ખરીદશે. જેમાં કચરો વિણનારને સીધી રોજગારી મળશે. એટલું જ નહીં સરકાર રેગ પિકર્સને પ્રોત્સાહન રૂપે એક કિલો પ્લાસ્ટિક વેસ્ટના રૂપિયા 3 લેખે વધુમાં વધુ ૧૦ કિલો પ્લાસ્ટિક વેસ્ટના એક દિવસના રૂપિયા ૩૦ આપશે. જેમાં તેના બેન્ક ખાતામાં દર મહિને રૂપિયા ૯૦૦ જમા થશે.
ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેર માટે પણ પ્લાસ્ટિક કચરાનો નિકાલ પડકાર જનક બન્યો છે.શહેરમાં રોજનો ૩ ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે.જે કચરો વિણનારા ઓ માટે હવે સીધું રોજગારીનું સાધન બની રહેશે.સાથે આ પ્લાસ્ટિક વેસ્ટ એક સ્થાન પર એકત્રિત કરી ઈપીઆર એજન્સી તેનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરશે.પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટેના પાલિકાના આગવા અભિગમથી શહેરની સ્વચ્છતા અને સુંદરતામાં વધારો થવા સાથે પર્યાવરણને પણ ફાયદો થશે.