કોરોના વ્યાપને જાેતાં મીની લોકડાઉન જરૂરી: એઈમ્સ ડાયરેક્ટર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/08/AIIMS-Newdelhi-1024x590.jpg)
નવી દિલ્હી, દેશમાં કોરોનાનુ સંક્રમણ નવેસરથી હાહાકાર મચાવી રહ્યુ છે ત્યારે એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે, આ મહિને કોરોનાની નવી લહેર ચરમસીમાએ પહોંચી શકે છે અને ભારતમાં આ જીવલેણ બીમારીને રોકવા માટે મિની લોકડાઉનની જરુર છે.
આ પહેલા તેમણે કહ્યુ હતુ કે, કોરોનાને લઈને દેશમાં ચિંતાજનક સ્થિતિ છે. કારણકે છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દર્દીઓની સંખ્યા ચોંકાવનારી ઝડપે વધી રહી છે. ડો.ગુલેરિયા કોરોના માટેની રાષ્ટ્રિય ટાસ્ક ફોર્સના સભ્ય પણ છે. તેમનુ કહેવુ છે કે, લોકો કોરોના ફેલાઈ રહ્યો હોવા છતા માસ્ક નથી પહેરી રહ્યા અને સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન પણ નથી કરી રહ્યા.
કોરોનાની પહેલી લહેર વખતે રોજના ૭૦૦૦૦ નવા દર્દીઓનો આંકડો પાર કરવામાં દેશમાં ઘણા મહિના લાગી ગયા હતા પણ આ વખતે આપણે બહુ જલ્દી કોરોનાના દર્દીઓની સંખ્યાને વધી રહેલી જાેઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં રવિવારે કોરોનાના ૯૪૦૦૦ જેટલા નવા દર્દીઓ સામે આવ્યા છે. સાથે સાથે એક જ દિવસમાં ૫૯૩ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આમ મૃતકોની સંખ્યા વધીને ૧.૬૪ લાખ સુધી પહોંચી ચુકી છે.