IIMમાં વધુ ૧૫ કેસ નોંધાતા સંક્રમિતોનો આંકડો ૧૧૯ થયો
અમદાવાદ આઈઆઈએમમાં કોરોના બેફામ બન્યોઃ કેસો વધતા ૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી કોરોનાના ટેસ્ટ આઈઆઈએમ દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા
અમદાવાદ, અમદાવાદ આઈઆઈએમમાં કોરોના બેફામ રીતે વધી રહ્યો છે. આઈઆઈએમમાં કોરોનાના વધુ ૧૫ કેસ મળી આવતાં તંત્ર દોડતુ થયું છે. ચાલુ વર્ષે અત્યાર સુધી પોઝિટિવ કેસનો આંકડો ૧૧૯ પર પહોંચ્યો છે. જેમાં ૫૦ વિધાર્થીઓ, ૨ ફેકલ્ટી મેમ્બર, ૧૦ ઓફ કેમ્પસ સ્ટાફ, ૦૨ ઓન કેમ્પસ સ્ટાફ, ૧૩ કોમ્યુનિટી મેમ્બર અને ૧૧ કોન્ટ્રાકટ સ્ટાફને કોરોના થયો છે. નોંધનીય છે કે, માર્ચ મહિનામાં કુલ ૧૦૪ કેસ નોંધાયા હતા.
આઈઆઈએમના ડેશ બોર્ડ પ્રમાણે, કોરોનાના કેસો વધતા ૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી કોરોનાના ટેસ્ટ આઈઆઈએમ દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. આઆઈએમ કેમ્પસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ કેમ્પ અલગ-અલગ દિવસો દરમ્યાન લગાવવામાં આવ્યા હતા.
જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ અને કોમ્યુનિટી મેમ્બરો જેમને થોડા પણ કોરોનાના લક્ષણો દેખાય તેમના ટેસ્ટ કરવામાં આવતા હતા.૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી ૨૭ માર્ચ ૨૦૨૧ સુધીમાં આઈઆઈએમએમાં કુલ ૧૯૧ જેટલા કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં ૮૬ વિદ્યાર્થીઓ, ૪ પ્રોફેસર, ૧૪ ઓન કેમ્પસ અને ૨૭ ઓફ કેમ્પસ સ્ટાફ, ૧૯ કોન્ટ્રાક્ટ સ્ટાફ અને ૪૧ કોમ્પ્યુનીટી અને અન્ય સ્ટાફ કોરોના પોઝિટિવ થયો હતો. કોરોનાની બીજી લહેર હાલ જાેવા મળી રહી છે.
અમદાવાદમાં રોજ ૬૦૦થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદની ખાનગી હૉસ્પિટલની જાે વાત કરવામાં આવે તો ૭૦ જેટલી કોવિડ ડેઝિગ્નેટેડ હૉસ્પિટલ છે. જેના કુલ ૩,૪૦૦ બેડમાંથી ૭૦ ટકા જેટલા બેડ ભરાઈ ગયા છે.
છેલ્લા એક અઠવાડિયાથી કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં ખાનગી હૉસ્પિટલમાં મફત સારવાર મળી રહે તે માટે એમઓયુ કરવાની માંગ લોકો દ્વારા કરાઈ રહી છે. બીજી તરફ સરકારી હૉસ્પિટલમાં પૂરતા બેડ ખાલી હોવાથી હજુ સુધી ખાનગી હૉસ્પિટલ સાથે એમઓયુ કરાયા ન હોવાનું અમદાવાદ હૉસ્પિટલ ઍન્ડ નર્સિંગ હોમ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. ભરત ગઢવી જણાવી રહ્યા છે.
ગત વર્ષે કોરોનાનાં કેસ વધતા ૪૦ જેટલી ખાનગી હૉસ્પિટલ સાથે ૫૦ ટકા બેડ માટેના એમઓયુ કરી, દર્દીઓને મફત સારવારની વ્યવસ્થા કરાઈ હતી. હાલ આ એમઓયુ રદ કરાયા છે. જેથી ખાનગી હૉસ્પિટલમાં જે કોઈ દર્દી સારવાર મેળવે છે તેમની પાસેથી સરકારે નક્કી કરેલા ચાર્જ પ્રમાણે જનરલ બેડ માટે રોજના ૮ હજાર રૂપિયા લેવામાં આવી રહ્યા છે.