Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની  “M-ગવર્નન્સ”  તરફ પહેલ

“ ઇ-કમીટી ” મોબાઇલ એપ દ્વારા સરકારી વ્યવસ્થાપન બનશે સરળ

અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે દ્વારા જિલ્લામાં M-ગવર્નન્સની પરિકલ્પનાને આગળ ધપાવવા મહત્વની પહેલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા એન.આઇ.સી.(N.I.C.-નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટર) ના સંકલન સાથે “ઇ-કમીટી”મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે.જે એક G2G(ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ) પ્રકારની એપ્લીકેશન છે. આ એપ્લીકેશન અમદાવાદ જિલ્લાના સરકારી તંત્રની કામગીરીને વધુ સરળ બનાવશે.

જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાંગલે કહે છે કે, કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને જન સંપર્ક ઓછો થાય તે જરૂરી છે. કોરોનાની પરિસ્થિતિઓ વચ્ચે પણ સરકારી કામગીરી સરળતાથી થઇ શકે અને નાગરિકોની સુખાકારી જળવાય તે બાબતોને ધ્યાન રાખીને “ઇ-કમીટી” એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે.

જેનો મુખ્ય ઉદ્દેશ કોરોનાની પરિસ્થિતિઓ વચ્ચે પણ વિવિધ બેઠકોને સરળતાથી ગોઠવી સરકારી વ્યવસ્થાપનને સુગમતા આગળ ધપાવવાનું છે. વર્ચ્યુઅલી મીટિંગ કરીને સમગ્ર કામગીરી હાથ ધરી શકાય તે માટેની પુરતી વ્યવસ્થા આ એપ્લીકેશનમાં તૈયાર કરી હોવાનું કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતુ.

આ એપ્લીકેશનની મદદથી અમદાવાદ જિલ્લાની સરકારી કચેરીના અધિકારી જિલ્લાની કોઇપણ કચેરીમાં કાર્ય કરતા અધિકારી-કર્મચારી સાથે સરળતાથી વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા હાથ ધરી શકશે. સાથે – સાથે વિવિધ વિષયો સંલગ્ન વિગતો આ એપમાં ઉમેરીને જે-તે અધિકારી તેમના કર્મચારીગણ સાથે સમૂહમાં તેના પર સંવાદ કરી શકશે.

વર્ચ્યુઅલ અથવા એક્ચ્યુઅલ મળતી બેઠકની અંદર આ એપની મદદથી થયેલી ચર્ચાને વિગતવાર રજૂ કરવામાં આવે તે પ્રમાણેની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આગોતરા આયોજનના એજન્ડા આ ઇ-કમીટીમાં તૈયાર કરી શકાય તે પ્રમાણેની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

જે-તે કચેરીના સંલગ્ન અધિકારીને એક ખાનગી લોગ-ઇન આઇ.ડી. આપીને તેમની કામગીરીનો અહેવાલ તેમજ રીપોર્ટ રજૂ કરવા માટેનો પણ વિકલ્પ મૂકવામાં આવ્યો છે. ઇ-કમીટીના ઉદ્દેશથી લઇ મીનીટ્સ ઓફ મીટીંગ પણ આ એપ્લીકેશન માં જોઇ શકાશે.

આ એપ્લીકેશનનું સીક્યુરીટી ઓડિટ થયા બાદ ભવિષ્યમાં આ એપ્લીકેશન ગુગલ પ્લે સ્ટોર પર પણ સરળતાથી ઉપલબ્ધ થશે. આ એપ્લીકેશન થકી વિવિધ મીટીંગનું આયોજન તેનું સંકલન થી લઇ વ્યવસ્થાપન સરળ અને સુધળ બનશે જે સરકારી કામગીરીની કાર્યદક્ષતામાં વધારો કરશે.

એન.આઇ.સી. શાખાના તુષાર મહેતાના માર્ગદર્શન હેઠળ શ્રી અજય મેશરામ અને ભાવેશભાઇ દ્વારા આ એપ્લીકેનશને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,રાજ્ય સરકાર દ્વારા સરકારી વ્યવસ્થાપનને સરળ અને પારદર્શક બનાવવા  ઇ-ગવર્નન્સની પહેલ કરીને વિવિધ સુવિધાઓને ઓનલાઇન કરવામાં આવી છે. ત્યારે ઇ-ગવર્નન્સની સાથે-સાથે સરકારી કામગીરી આંગળીના ટેરવે મોબાઇલમાં જ સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીસંદિપ સાગલેની દૂરંદેશી અને તકનીકી વિચારસણીએ M-ગવર્નન્સના કોન્સેપ્ટને વેગ આપ્યો છે જેનું “ઇ-કમીટી” એપ દ્રષ્ટિવંત ઉદાહરણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.