ગુજરાતમાં ૩-૪ દિવસનું લોકડાઉન લગાવવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ
અમદાવાદ: હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યૂ હોય છે. પરંતુ તેમ છતા કોરોના કાબૂમાં આવી નથી રહ્યો. આવામાં ગુજરાતમાં લોકડાઉનની જરૂર છે તેવું ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. ગુજરાતમાં ૩-૪ દિવસના લોકડાઉનની જરૂર હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. સાથે જ હાલની સ્થિતિમાં કરફ્યૂની જરૂર હોવાનું પણ હાઈકોર્ટે અવલોક્યું છે.
ગુજરાતમાં કોરોનાનું લેવલ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આવામાં ગુજરાતમાં ફરીથી લોકડાઉન આવે તેવા ભણકારા વાગી રહ્યા હતા. આ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સ્થિતિ જાેતા રાજ્ય સરકારને કેટલાક નિર્દેશ આપ્યા છે. જેમાં જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા સૂચના આપી છે. સાથે જ કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પણ નિર્દેશ આપ્યા છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે સરકારને નિર્દેશ કર્યો કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી બની છે.
રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવા અને વિકેન્ડ કરફ્યૂ બાબતે સરકાર જરૂરી ર્નિણય લે એવી હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે. ત્યારે લોકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું હાઇકોર્ટનું અવલોકન છે. કોરોનાનો કહેર વધી રહ્યો છે તે બાબતને હાઈકોર્ટે ગંભીરતાથી લીધી છે. રાત્રિ કરફ્યૂનો સમય મર્યાદા વધારવાની વાત પણ હાઈકોર્ટે કરી છે. સાથે જ રાજકીય મેળાવડા, માસ્ક, ચૂંટણીઓ, જાહેર કાર્યક્રમોમાં નિયંત્રણો રાખવા બહુ જ જરૂરી છે. લોકો પણ જાગૃતિ દાખવ્યા વગર બેફામ ફરી રહ્યા હતા.
ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, લોકોમાં શિસ્ત લાવતા પહેલા રાજ્ય સરકારે પણ સ્વંય શિસ્ત રાખવાની જરૂર છે. રાજકીય મેળાવડા અને જાહેર કાર્યક્રમો પર સૌથી પહેલા સરકાર અંકુશ મેળવે. મેળાવડા કરતા નેતાઓ સામે પગલા લે. અગાઉ પણ હાઈકોર્ટે રાજ્ય સરકારને સૂચના આપી હતી કે, રાજકીય નેતાઓને કન્ટ્રોલમાં રાખો. તો જ લોકો શીખશે. ત્યારે આજે ફરીથી હાઈકોર્ટે આ અવલોકન કર્યું છે. અંકુશ મેળવવા લોકડાઉનનો ઉપાય સૂચવ્યો છે. પણ લોકડાઉન લગાવવું કે નહિ તે ર્નિણય ગુજરાત સરકારનો રહેશે. તો બીજી તરફ, રાજ્ય સરકાર હાઈકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરશે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ચુકાદાનો વિસ્તૃત અભ્યાસ કરી સરકાર દ્વારા ર્નિણય લેવાશે