રાજય સરકાર અને દેશમુખે બોમ્બે હાઇકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકાર્યો
મુંબઇ: મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસના બોમ્બે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. અનિલ દેશમુખે પણ સર્વોચ્ચ ન્યાયાલયનો દરવાજાે ખખડાવ્યો છે.
મહત્વનું છે કે મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા, તેના પર કોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ અનિલ દેશમુખે સોમવારે ગૃહમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું. ત્યારબાદ દેશમુખ દિલ્હી પહોંચ્યા હતા અને અહીં વરિષ્ઠ વકીલો સાથે મુલાકાત કરી હતી. હવે અનિલ દેશમુખે સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે.
પરમબીર સિંહે ૨૫ માર્ચે અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસની માંગની વિનંતી કરતા અરજી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે અનિલ દેશમુખે સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝે સહિત અન્ય પોલીસ અધિકારીઓને બાર અને રેસ્ટોરન્ટ પાસેથી ૧૦૦ કરોડની વસૂલી કરવાનું કહ્યું હતું. દેશમુખે આ આરોપો નકારી દીધા હતા.
તેના પર બોમ્બે હાઈકોર્ટે સોમવારે ચુકાદો આપ્યો અને સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા. હાઈકોર્ટે કહ્યું કે, સીબીઆઈએ પ્રારંભિક તપાસ ૧૫ દિવસની અંદર પૂરી કરવી પડશે અને પછી આગળની કાર્યવાહીનો ર્નિણય લેવો પડશે. કોર્ટે સોમવારે કહ્યું, અમે તે વાત પર સહમત છીએ કે અદાલતની સામે આવેલ આ અભૂતપૂર્વ મામલો છે. દેશમુખ ગૃહમંત્રી છે જે પોલીસનું નેતૃત્વ કરે છે.. સ્વતંત્ર તપાસ થવી જાેઈએ. પરંતુ સીબીઆઈએ તત્કાલ એફઆઇઆર નોંધવાની જરૂર નથી.